- એક વિઘ્ન પાર, હજુ બીજા વિઘ્ન માથે
- સ્ટોલ-પ્લોટ માટેના 316 ફોર્મ મળી જતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો આગામી દિવસોમાં હરરાજીમાં વેપારીઓ કાર્ટલ સર્જી તંત્રને પજવે તેવી ભીતિ
- રાજકોટના રેસકોર્સમાં યોજાનાર લોકમેળાની તૈયારીઓ માટે તંત્રને અભિમન્યુના સાત કોઠા વીંધવા પડે તેવો ઘાટ સર્જાયો છે. જો કે ગઈકાલે સ્ટોલ-પ્લોટના ફોર્મની પ્રક્રિયા હેમખેમ પૂર્ણ થઈ ગઈ છે. તો હવે આ વેપારીઓ હરાજીમાં કાર્ટલ સર્જીને તંત્રને પજવે તેવી શકયતા સેવાઈ રહી છે.
જન્માષ્ટમી ઉપર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ આ વખતે તૈયારીઓ ઉપર પણ સુરક્ષાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
લોકમેળામાં સ્ટોલ- પ્લોટના ફોર્મ ભરવા માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેમાં 500 ફોર્મ ઉપડ્યા હતા. અને 316 ફોર્મ ભરાઈને પરત આવતા તંત્રની ચિંતા ટળી હતી. જો કે અગાઉ ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બીજી વખત મુદત નહિ જ વધે તેવો તંત્રનો મેસેજ વેપારીઓને મળતા બપોરના સમયે વેપારીઓએ ફોર્મ ભરવા માટે કચેરી બહાર લાઇનો લગાવી હતી.
વધુમાં તંત્રએ ફોર્મની પ્રક્રિયાનું એક વિઘ્ન તો પાર કરી લીધું છે. હવે હરાજી સહિતના બીજા અનેક વિઘ્ન છે. ખાસ તો હરાજીમાં વેપારીઓ કાર્ટલ બનાવીને ઉંચા ભાવ જ નહીં બોલે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.
વધુમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે.જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે.યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે. જેની સામે અમુક નિયમો રદ કરવા વેપારીઓએ માંગ પણ ઉઠાવી હતી.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. તેવો અગાઉ તંત્રએ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને આગામી તા.30મીએ બેઠક પણ યોજાનાર છે.
રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.