ચોટીલા પંકમાં પણ ગઈકાલે સમીસાંજે દિપડાએ દેખા દેતા ફફડાટ

જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દિપડાનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. ૮ જેટલા લોકો ગત વર્ષ એપ્રિલી અત્યાર સુધીમાં દિપડાના હુમલાનો ભોગ બની મોતને ભેટયા છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ ૧૧ દિપડાઓને વન વિભાગે પાંજરે પુર્યા હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ ગઈકાલે ચોટીલા પંકમાં પણ દિપડાએ દેખા દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા અમરેલીના માણેકવાડા ગામમાંી દિપડો ઝડપાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના શિવાઈ ગામમાથી પણ દિપડાને પકડી પાડવામાં આવ્યો હતો. કુલ ૧૧ જેટલા દિપડા પકડાયા છે. જેમાં તમામ માદાઓ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં છેલ્લા ૮ માસમાં આજુબાજુના તાલુકાઓમાં ૨ વખત દીપડાએ દેખા દીધી છે. ત્યારે તેમાં એક વખત તો દીપડો ચોટીલાની ચાલુ કોર્ટમાં લટાર મારવા પહોંચ્યો હતો. અને છેક જૂનાગઢની ફોરેસ્ટની ટીમે તેને પાંજરે પૂર્યો હતો. ત્યારે અવારનવાર આ વિસ્તારમાં જગલી જનાવરો દેખાતા લોકો ભયભીત બન્યા છે.

ચોટીલા તાલુકાના છેવાડાના ગામમાં રવિવારે મોડી સાંજે દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડતા સમગ્ર પંથકમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. અગાઉ પણ ચોટીલા કોર્ટના રૂમમાં દીપડો ઘુસી જવાનો બનાવ બન્યો હતો ત્યારે ફરીવાર ચોટીલા પંથકમાં દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડતા ખાસ કરીને સીમમાં જતાં ખેડૂતો અને મજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવિવારે મોડી સાંજે તાલુકાના કોઇ છેવાડાના ગામમાં દિપડો દેખાયો હોવાનું તેમજ કોઇ પશુનું મારણ કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેને લઇને ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટની સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. ત્યારે વનવિભાગ દ્વારા આ અંગે તાત્કાલીક તપાસ કરી દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી સમગ્ર પંથકમાં લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.