સ્ટોલમાંથી અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખાણીપીણી ના ધંધાર્થીઓ દ્વારા અખાદ્ય પદાર્થ પીરસવામાં નઆવે તેની તકેદારીના ભાગરૂપે આજે વહેલી સવારે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાની ટુકડી ત્રાટકી હતી, અને જુદા જુદા સ્ટોલમાંથી અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.
મેળાના ધંધાર્થીઓ જાગે તે પહેલા જ વહેલી સવારે ફૂડ શાખાના અધિકારીઓ ડી.ડી. પરમાર, નિલેશભાઈ પી. જાસોલીયા અને કેતનભાઇ સવાશેરીયા સહિતના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી, અને અલગ અલગ સ્ટોલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જે ચેકીંગ દરમિયાન ક્રિષ્નરાજ રેસ્ટોરન્ટ નામના સ્ટોલમાંથી ચાર કિલો વડા અને બે કિલો બાફેલા બટેટા અખાદ્ય જણાયા હોવાથી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મનમોજી પાઉભાજી માંથી ૮૪ નંગ અખાદ્ય બ્રેડ નો નાશ કરાવવામાં આવ્યો હતો. બાજુમાં આવેલા વજુભાઈ પાઉભાજી નામના સ્ટોલ માંથી ૩૬ નંગ વાસી બ્રેડ નો નાશ કરાયો હતો.ત્યારે ગુજરાત કચ્છી સ્નેક દાબેલી નામના સ્ટોલમાંથી ૩૬ નંગ વાસી બ્રેડ તેમજ સાત કિલો તૈયાર દાબેલીનો મસાલો વગેરેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી બહોળી સંખ્યામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો મેળાનું મનોરંજન માણવા આવે ત્યારે તેઓને ખાણીપીણીના સ્ટોલ ધારકો દ્વારા અખાદ્ય સામગ્રી ધાબડી દેવામાં ન આવે, તેની ખાસ તકેદારીના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે વહેલી સવારે દરોડા પાડી દીધા હતા. જેથી ખાણીપીણીના ધંધાર્થીઓમાં દોડધામ થઈ હતી.