પ્રથમ તબકકે ફાસ્ટફુડ અને ઠંડા-પીણાની સુવિધા શરૂ કરવામાં આવશે
છ માસમાં ૬૨,૮૨૮ લોકોએ લીધી મ્યુઝિયમની મુલાકાત
શહેરના જયુબીલી ગાર્ડન પાસે આવેલી આલ્ફેડ હાઈસ્કુલ ખાતે મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૬ માસ દરમિયાન ૬૨,૮૨૮ લોકોએ મ્યુઝીયમની મુલાકાત લીધી છે. આગામી શનિવારથી મ્યુઝિયમ ખાતે ફુડ કોર્ટની સુવિધા શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ તબકકે ફાસ્ટ ફુડ અને ઠંડા-પીણાની સુવિધા ઉપલબ્ધ કરાશે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ આજ સુધીમાં ૩૫૬ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ૬૨,૮૨૮ લોકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેના થકી મહાપાલિકાને ૧૩.૫૭ લાખની આવક થવા પામી છે. મુલાકાતીઓની સુવિધા માટે મ્યુઝીયમ ખાતે આગામી શનિવારથી ફુડ કોર્ટ શરૂ કરવામાં આવશે.
જેમાં પ્રથમ તબકકે ફાસ્ટફુડ અને કોલ્ડ્રીંકસ પીરસવામાં આવશે ત્યારબાદ ફુલ ગુજરાતી થાળી સહિતની વસ્તુઓ સહેલાણીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી સાહિત્ય ધરાવતી અદ્યતન લાયબ્રેરી, ગાર્ડન, વિશાળ પાર્કિંગની સુવિધા, ગાંધીજીના પુસ્તકો અને વસ્તુ ધરાવતા સોવેનીયર શોપ, એટીએમ અને મ્યુઝીયમ ગાઈડની સુવિધા ઉપલબ્ધ છે. સાંજે ૭:૦૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવે છે. ગાંધીજીના જીવંતના આદર્શો અને જીવનમુલ્યથી માહિતગાર થવા રાજકોટની જનતાને તથા શાળા-કોલેજોને મ્યુઝિયમની મુલાકાત લેવા મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.