- વર્ષના અંતમાં લગભગ 2.61 કરોડની કિંમત સાથે કાર બજારમાં પ્રવેશ કરશે
દુનિયાભરમાં લાખો લોકો કાર ચલાવે છે. તો ઘણા લોકોના ઘરમાં તો લોકોની સંખ્યા પ્રમાણે કાર હોય છે. કાર સૌની પસંદીદા વસ્તુ છે, પણ જ્યારે એ જ કાર ટ્રાફિકમાં ફસાઈ જાય છે, ત્યારે ગાડી ચલાવવાની બધી મજા બગડી જાય છે. પછી લોકો મનમાં વિચારે છે કે કાશ કોઈ એવી ગાડી હોત જે તેમને ટ્રાફિકમાંથી ઉડીને લઈ જતી હોય. જે હવે સંભવ બની ગયું છે.
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કારને વિમાનની જેમ આકાશમાં ઉડતી બતાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ કાર ટ્રાફિકમાંથી ઉડી શકે છે. આ કારનું નામ એલેફ મોડેલ ઝીરો છે. વાયરલ વીડિયોમાં, એક કાળી કાર હવામાં ઉપર ઉડે છે અને તેની સામે પાર્ક કરેલી કારને પાર કરી ફરી પાછી જમીન પર આવે છે. જે બતાવે છે કે આ ઉડતી કાર તમને ટ્રાફિક જામમાંથી કેવી રીતે બહાર કાઢી શકે છે.
અમેરિકન કંપની એલેફ એરોનોટિક્સની આ ઇલેક્ટ્રિક કારમાં એક નવીન પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈલેક્ટ્રીક કાર 320 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ધરાવે છે અને 160 કિલોમીટર સુધી ઉડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારને 3,000 થી વધુ યુનિટના પ્રી-બુકિંગ ઓર્ડર મળ્યા છે, જે આ વર્ષના અંતમાં 3,00,000 ડોલર એટલે કે લગભગ 2.61 કરોડની કિંમત સાથે બજારમાં પ્રવેશ કરશે.