અબતક, વૈવિધ્ય
દુનિયાને દંગ કરનાર ભારતીય વૈજ્ઞાનિક ડો. જગદીશ ચંદ્રની ઓળખ
એમ કહેવાય છે કે સિસ્ટર નિવેદિતાએ એમને અપ્રત્યક્ષ પ્રોત્સાહિત કર્યા હતા
આશરે ૧૦૦ વર્ષ હેલાના વિજ્ઞાનજગતની આ અત્યંત રોમાંચક ઘટના છે.
ઈ.સ.૧૯૦૧નું વર્ષ ૧૦મી મેનો દિવસ, ઈગ્લેન્ડનું લંડન શહેર અને સ્થળ રોયલ સોસાયટીનો સભાખંડ, રોયલ સોસાયટી એટલે વિશ્ર્વભરનાં નામાંકિત વિજ્ઞાનીઓ અને બુધ્ધીમાનોનું મંડળ આજે તેનો સભાખંડ ખીચોખીચ ભરેલો છે. ૪૨ વર્ષના એક યુવાન ભારતીય ભૌતિકવિજ્ઞાની આજે પોતાના નવતર અને આશ્ર્ચર્યજનક પ્રયોગનું નિદર્શન કરવાના છે. આ વિજ્ઞાનીનો દાવો છે કે, મનુષ્યો અને પ્રાણીઓની માફક વનસ્પતિ પણ સુખ, દુ:ખ, થાક, નિંદ્રા, ભય, પ્રેમ વગેરે બધા પ્રકારનાં સંવેદનો અનુભવે છે અને તદનુપ પ્રતિક્રિયા પણ આપે છે. મનુષ્યની માફક હસીને બોલીને રડીને ચીસો પાડીને નહી પરંતુ ખીલીને, કરમાઈને, ઝુમીને ડોલીને તે પોતાના ભાવ વ્યકત કરે છે. વનસ્પતિ પણ શ્ર્વાસોશ્ર્વાસ કરે છે. વનસ્પતિમાં પણ જીવ છે. બધા માટે આ વાત તદન નવી હતી. માનવામાં ન આવે તેવી હતી પોતાની આ વાતને સિધ્ધ કરવા માટેનો પ્રયોગ આ વિજ્ઞાની પોતે જાતે બનાવેલા ઉપકરણ ‘કેસ્કોગ્રાફ’ પર બતાવવાના હતા. ક્રેસ્કોગ્રાફ એટલે વનસ્પતિપેશીની દરેક હલચલને ૨૦,૦૦૦ ગણી મોટી કરી બતાવે તેવું યંત્ર, વનસ્પતિના એક છોડ સાથે આ કેસ્ક્રોગ્રાફ જોડી દેવામાં આવ્યું પડદા પર છોડના સ્પંદોનોના સંકેત દેખાતા હતા. આ છોડને તેના મૂળીયા સહિત એક બ્રોમાઈડ ઝેર ભેળવેલા પાણીના પાત્રમાં ડુબાડવામાં આવ્યો છોડની નસની ધડકન ધીમેધીમે અનિયમિત થતી પડદાઉપર દેખાતી હતી. થોડીજ વારમાંમાં તે ક્રિયાઓ પણ અટકી ગઈ. છોડ ઝેરની અસરને કારણે જાણે કે મરી ગયો ! આશ્ર્ચર્ય અને આનંદ સાથે પ્રયગો જોઈ રહેલા પ્રેક્ષકો ચકિત બની ગયા. આ સફળ પ્રયોગ બદલ તેમના પર અભિનંદનની વર્ષા થઈ. પરંતુ કેટલાક જીવ વિજ્ઞાનીઓ અને શરીરવિજ્ઞાનીઓએ ઈર્ષ્યા અને પૂર્વગ્રહવશ તેમની આ શોધનો વિરોધ કર્યો અને ‘એક ભૌતિકવિજ્ઞાની અમારા ક્ષેત્રમાં માથુ કઈ રીતે મારી શકે? તેવા વાહિયાત પ્રશ્ર્નો ઉભા કરી તેમનાં પ્રયોગો અને પરિણામોનેમાન્યતા આપવનો ઈન્કાર કર્યો. રોયલ સોસાયટીએ તેમનું આ ભાષણ પ્રકાશિત ન કર્યું પરંતુ તેથી નિરાશ થયા વિના આ વિજ્ઞાનીએ બે વર્ષ મહેનત કરી બધા પ્રયોગો, પરિણામો, તારણો અને તથ્યો સહિત જાતે એક નાનકડો શોધગ્રંથ મોનોગ્રાફ પ્રકાશિત કર્યો અને વિજ્ઞાનજગતને પોતાની શોધની સત્યતાની પ્રતીતિ કરાવી હવે અનેક દેશોમાંથી તેમને પોતાની શોધ વિશે ભાષણો આપવા આમંત્રણો મળવા લાગ્યા. રોયલ સોસાયટીએ પણ પોતાની ભૂલ સમજી, તેમનું પ્રથમ પ્રવચન છાપ્યું અને વિશ્ર્વભરમાં અધિકૃત રીતે મોકલી આપ્યું એક ગુલામ દેશનાં નાગરિક હોવા છતાં અંગ્રેજ સરકારે તેમને ૧૯૧૭માં ‘સર’ના ખિતાબથી નવાજયા. ૧૯૨૦માં રોયલ સોસાયટીએ તેમને ફેલો (માનદ સભ્ય) તરીકે ચૂંટી પોતાના મંડળમાં સ્થાન આપ્યું. રોયલ સોસાયટીમાં સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય હતા પોતાની પ્રતિભા, પરિશ્રમ અને આત્મ વિશ્ર્વાસના આધારે આ સ્થાન પર પહોચેલા આ મહાન ભારતીય વિજ્ઞાની કોણ હતા ? એ હતા ડો. જગદીશ ચંદ્ર બોઝ. વિજ્ઞાનજગતમાં પોતાનું એક આગવું ગૌરવ પૂર્ણ સ્થાન બનાવનાર જગદીશચંદ્ર કેવી રીતે ઉછર્યા, કેવી રીતે આગળ વધ્યા અને કેવી રીતે જીવ્યા તે ખરેખણ જાણવા જેવું છે.
જગદીશચંદ્રનો જન્મ આજથી ૧૫૦ વર્ષ પહેલા ઈ.સ. ૧૮૫૮માં ૩૦મી નવેમ્બરનાં રોજ પૂર્વ બંગાળ (હાલમાં બાંગ્લાદેશ)ના મેમનસિંહ જિલાના રારીખલ ગામમાં થયો જગદીશચંદ્ર પાંચ બહેનોના એકના એક ભાઈ હતા તેમના પિતા ભગવાનચંદ્ર એક સેવાભાવી બંગાળી સજજન હતા. તેઓ અંગ્રેજ સરકારની નોકરી કરતા હોવા છતાં સ્વાભિમાની અને દેશભકત હતા. ભગવાનચંદ્ર જિલ્લા ડે. મેજીસ્ટ્રેટ જેવા મહત્વના પદ પર નિયુકત હતા તે વખતે સામાન્ય રીતે બધા ઉચ્ચ અધિકારીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરતા, પરંતુ ભગવાનચંદ્રે તે પરંપરા તોડી અને ત્યાંના લોકો માટે પોતે શ કરેલી બંગાળી માધ્યમની નાનકડી પ્રાથમિક શાળામાં જ જગદીશચંદ્રને દાખલ કર્યા જયાં ગામના સામાન્ય બાળકો ભણતા હતા.
બાળક જગદીશચંદ્રમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ હતી તેઓ સતત પ્રશ્ર્નો પુછતા રહેતા પિતા ભગવાનચંદ્ર કંટાળ્યા વિના પોતાની પાસે જેટલી જાણકારી હોય તેટલા પ્રશ્ર્નોના જવાબ આપતા જગદીશચંદ્રે પોતાના ઘરની બાજુમાં એક નાનકડો બગીચો બનાવેલો. તેમાં એક નાનકડો હોજ પણ હતો. જેમાં તેઓ માછલીઓ દેડકાં, બિનઝેરી સાપ વગેરે પાળતા બગીચામાં એક નાનકડુ ઘર બનાવી તેમાં સસલા અને ખિસકોલીઓ રાખ્યા હતા નવરાશના સમયે જગદીશચંદ્ર બહેનો સાથે બગીચામાં પહોચી જતા અને આ પ્રાણીઓ સાથે ફૂલ છોડ સાથે રમતા અને તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા જગદીશચંદ્રને પિતાજીએ એક નાનકડો ઘોડો પણ લઈ રાખ્યો હતો. જેના પર તેઓ ગૌરવભેર સવારી કરતા, તેની સેવા કરતા અને શણગારતા પણ ખરા, દાદીમા તેમને નવીનવી વાર્તાઓ કહેતા યાત્રામાં અને સત્સંગમાં લઈ જતા, જયાં તેમને રામાયણ અને મહાભારતની વાતો સાંભળવા મળતી, જે તેમને ખૂબ ગમતી, આ પ્રસંગોએ જગદીશચંદ્રમાં વીરતા, ઉદારતા અને સત્યપ્રિયતાના ગુણોનું સિંચન કર્યું.