- અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરતા વિમાનની સેવા 1 એપ્રિલથી કરાઈ રદ્દ
- વિમાન સેવા રદ્દ કરાતા દૈનિક મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે રોષ
- વિમાની સેવા પૂર્વવત કરવામાં આવે તેવી પ્રવાસીઓ દ્વારા કરાઈ માંગ
કેશોદ- મુંબઈ વચ્ચે શરૂ થયેલી ઉડાન યોજનાની આખરે પાંખો કાપવામાં આવી છે. મુંબઈ-કેશોદ વચ્ચે અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરતા વિમાનની સેવા 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે દૈનિક મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિમાની સેવા પૂર્વવત કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આજથી ત્રણ વર્ષ પૂર્વે મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ સમયમાં દેશના નાના-નાના હવાઈ મથકોને વિમાની સેવાથી જોડવા ઉડાન યોજના લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢના કેશોદથી મુંબઈ વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ અને ત્યારબાદ થોડા મહિના પછી અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરતા વિમાની સેવાનો પ્રારંભ કેશોદ ખાતે સ્વયં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ સુધી વિમાનનું સંચાલન થયા બાદ ગત 1 એપ્રિલ 2025 થી મુંબઈ-કેશોદ વચ્ચે વિમાન સેવા રદ્દ કરી દેવામાં આવી છે.
મુંબઈ-કેશોદ વચ્ચે વિમાની સેવા શરૂ થઈ ત્યારથી લઈને 1 એપ્રિલ સુધી વિમાનનું સંચાલન કરવામાં આવ્યું. આ દરમિયાન દરરોજ 60 થી 70 પ્રવાસીઓ કેશોદથી મુંબઈ કે મુંબઈથી કેશોદ મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે બંધ થયેલી આ વિમાન સેવાને કારણે દૈનિક મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિમાની સેવા પૂર્વવત કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે સોમનાથ સાસણ અને જૂનાગઢના કેન્દ્ર સ્થાને રહેલા કેશોદ એરપોર્ટ ઉપર સીધી મુંબઈ સાથે જોડતી વિમાની સેવા બંધ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં છે.
અહેવાલ: જય વિરાણી