નાનકડા બીજમાંથી કબીરવડ બની ગયેલું મહેતા ટ્રસ્ટ મહિલાલક્ષી 13 પ્રવૃત્તિ ચલાવી બહેનોને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ છે
જામનગર જિલ્લાના ધ્રોલ નગરનું નામ સવારમાં લેવાનું લોકો ટાળે છે એટલે જ ધ્રોલ માટે ‘સામે ગામ’ શબ્દ વપરાય છે પણ આ નગરમાં છેલ્લાં 50 વર્ષથી ક્ધયા કેળવણીની જ્યોત જગાવનારૂં એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ આજે વિવિધ 13 વિભાગો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમને સન્માનનીય જિંદગી જીવવામાં નિમિત્ત બન્યું છે.
સ્વ. એમ.ડી.મહેતાના ઉમદા વિચારબીજ અને ધ્રોલના ભુતપૂર્વ રાજવી ચંદ્રસિંહજીના વતન પ્રેમને કારણે બન્ને પરમ મિત્રોનો એક સામાન્ય વિચાર કે ધ્રોલ વિસ્તારમાં ક્ધયા કેળવણી ક્ષેત્રે કઈક કરવું, આ વિચારબીજને વટવૃક્ષ કરવાનો આશય છે. સ્વ.મોહનભાઇએ ઈ.સ.1971 માં એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ- ધ્રોલની સ્થાપના કરી 50 વર્ષની સફળ સફરનો ઇમારતનો પહેલો પાયો તા.11/06/1973 ના રોજ એમ.ડી.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ, ધ્રોલનું ઉદ્દઘાટન તે સમયના ગુજરાતનાં મુખ્ય પ્રધાન ઘનશ્યામભાઈ ઓઝાના હસ્તે સંપન્ન થયું. વિદ્યાર્થીઓને ડ્રોપર થી ટોપર બનાવતી, નાતજાતના ભેદભાવ વગર પ્રવેશ આપતી, પ્રાઈવેટ સ્કૂલની જેમ આધુનિક સુવિધાથી સજ્જ શાળાનું 50મું વર્ષ ચાલી રહ્યું છે. આ શાળા થકી દીકરીઓને તાલુકા કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી જવાનો અવસર પ્રદાન મળ્યો છે. શાળા સાંસ્કૃતિક ક્ષેત્રે, ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે દર વર્ષે સિધ્ધિઓનાં સોપાનો સર કરતી રહે છે.
સફળતાના વધુ માઈલસ્ટોન પાર કરવા સંસ્થાના આજીવન ચેરમેન સ્વ.ડો હરસુખભાઇ મહેતાના બાહોશ વ્યક્તિત્વ, ગુણવત્તાયુક્ત વહીવટ, દીર્ઘદ્રષ્ટિ, હકારાત્મક વલણ થકી વિચારઆવ્યો કે દીકરીઓને પાયાથીજ યોગ્ય શિક્ષણ મળે તો? તેને સિદ્ધ કરવા મોન્ટેસરી પદ્ધતિ યુક્ત, જીવન વ્યવહારની પ્રવૃતિ કરાવતી કુસુમબેન મહેતા બાલમંદિર 1974 માં શરૂ કરી. સ્વ. પૂજ્ય મોહનભાઈના તમામ વિચારો તેના પરિવારમાં એટલા મૂળ કરી ગયા હોય પરિવારના સહકાર સાથે ટ્રસ્ટના સારથી એવા સુધાબેન ખંઢેરિયા અને હંસાબેન મહેતાની તત્પરતાને કારણે ધ્રોલના દૂરના વિસ્તારની દીકરીઓ જે અહી અંતર વધુ હોવાને કારણે આવી શક્તિ ન હતી તેને પણ શિક્ષિત કરી શકાય, ક્ધયા કેળવણીના મૂળ અંતરિયાળ ગામડાઓમાં ફેલાઈ, ઘરથી વિશેષ સુવિધા મળે અને એક દીકરીમાં જે તમામ ગુણો હોવા જોઈએ તેનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી 1980માં એમ.ડી.મહેતા ગર્લ્સ હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી. અહીં દીકરીઓ એનસીસી, એનએસએસ, જુડો કરાટે, ટ્રેકિંગ, કૂકિંગ, વૃક્ષારોપણ, વેસ્ટમાથી બેસ્ટ જેવી પ્રવૃતિઓ કરે છે. સંસ્થાના સેટેલાઈટ એવા સ્વ.ડો.હરસુખભાઇ મહેતાને દીકરીઓ સારી રીતે – સંપૂર્ણ શિક્ષણ મેળવે તે માટે દીકરીઓના માતા -પિતા , આજુબાજુના વિસ્તારની મહિલા સીવણ, દેશી હાથભારત, મહિલાબચત જુથ, ગ્રામહાટ, મહિલા જાગૃતિ શિબિરોના આયોજન કરવા માટે 1985માં એમ.ડી.મહેતા વોકેશનલ સેન્ટરનો આરંભ થયો જેના થકી ધ્રોલ વિસ્તારની બહેનો આત્મનિર્ભર બની. મહિલા સશક્તિકરણ જોવા મળ્યું.
સમાજ ઉપયોગી કાર્ય સાથે લોકોમાં વહેમ અંધશ્રદ્ધા દૂર થાય, વૈજ્ઞાનિક અભિગમને ખિલવવા, ગણિત વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને ભવિષ્યના વૈજ્ઞાનિઓ બનાવવા સ્થાનિક કક્ષાના એમ.ડી.મહેતા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના 1985માં કરવામાં આવી સંસ્થાની પ્રવૃતિની અસર – વ્યાપ જોય 1998 માં ગુજરાત સરકારના ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાના જિલ્લાકક્ષાના વિજ્ઞાન કેન્દ્રની માન્યતા પ્રાપ્ત થઈ. વિજ્ઞાન કેન્દ્રની પ્રતિ વર્ષ 1 લાખ વિદ્યાર્થી, શિક્ષકો, આમ જનતા મુલાકાત લે છે. કેન્દ્ર પાસે કુલ 7 પ્રકારની પ્રયોગશાળા ,100 મોડેલ્સનું સાયન્સ મ્યુઝીયમ, એસ્ટ્રોઓબ્જરવેટરી પણ છે. ટ્રસ્ટ સંચાલિત કેન્દ્ર જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં નિ:શુલ્ક જઈ ગણિત વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. 1993 માં એક રિવ્યુ લેતા જોવા મળ્યું કે બાલમંદિર અને માધ્યમિક શાળાને જોડતી કડી પ્રાથમિક ક્ષેત્રે પણ કાર્ય કરવાની જરૂરત જોવા મળી.
બાળકો પ્રવૃતિમય શિક્ષણ મેળવે , ગણિત , વિજ્ઞાન , અંગ્રેજી ક્ષેત્રે રસ રુચિ કેળવે શહેરથી પણ શ્રેષ્ઠ સુવિધા સાથે કે.એમ. મહેતા અને શ્રીમતી એમ.કે. મહેતા પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ થકી દીકરીઓ તાલુકાથી રાષ્ટ્રીય કક્ષા સુધી ડ્રોઈંગ, વિજ્ઞાન ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર જોવા મળી.વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર તરફ દીકરીઓને વાળવા કોમ્પ્યુટર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. ઈ.સ. 1997 માં બે માઈલસ્ટોન અગત્યના સર કર્યા. 1200-1500 લોકો બેસી શકે , સાંસ્કૃતિક ક્ષેત્રે , સેમિનાર, વ્યાખ્યાન , સામૂહિક કાર્યક્રમો કરી શકાય તે માટે મુકેશભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન અને બીજું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની મદદથી વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી જેથી ગુણવત્તા સભર બહેનો અહીની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે.
મહિલા બહેનો કાયદા કાનૂન વિશે સજાગ બને, મહિલા બહેનોને નિ:શુલ્ક ન્યાય મળે તે હેતુથી એમ.ડી.મહેતા લીગલ એડ સેન્ટર મહિલા બહેનો માટે શરૂ કરવામાં આવ્યું. જેમાં જરૂરિયાત મંદ મોટી સંખ્યામાં બહેનોને ન્યાય અપાવવા સંસ્થા સફળ રહી.2003 માં પ્રાથમિક શિક્ષણમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષકો તૈયાર કરવા ડી.એમ.મહેતા અને શ્રીમતી એસ.ડી.મહેતા મહિલા ડી.એલ.એડ./પીટીસી કોલેજ શરૂ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણની સાથે સાથે સાચુકલા શિક્ષકો માધ્યમિક શિક્ષણમાં મળી રહે તે માટે 2005 માં શ્રીમતી એસ.ડી.મહેતા મહિલા બી.એડ. કોલેજશરૂ કરવામાં આવી આજે મોટી સંખ્યામાં પીટીસી/બી.એડ. માથી સારા શિક્ષકો સમાજને આ સંસ્થાએ આપ્યા છે જેનો અમને ગર્વ છે.સ્પોકન ઈંગ્લિશ અનેરીડિંગ, રાઇટિંગ, વાતચીતનું કૌશલ્ય વિકશે તેવા પ્રયત્નોને સફળ બનાવવા 2007 માં ધીરજલાલ મહેતા હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં દીકરીઓને તારુણ્ય શિક્ષણના પાઠો પણ ભણાવવામાં આવે છે.શરીરને સંપૂર્ણ ફિટ કરવા અનુભવી ટ્રેનરો દ્વારા એરોબિક અને અન્ય કસરતો કરાવવા તા.1/7/2009 ના રોજ શ્રીમતી સુલોચનાબેન મહેતા ફિટનેશ સેન્ટરનો પ્રારંભ કર્યો. ભવિષ્યમાં સારા ડોક્ટરો, એંજિનિયરો, વૈજ્ઞાનીઓ સમાજને અર્પણ કરવાના ઉદ્દેશથી 2020 માં એમ.ડી.મહેતા ગર્લ્સ સાયન્સ સ્કૂલનો શુભારંભ કર્યો.સંસ્થાની શિક્ષણ યાત્રા અહી થમી નથી. સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હજુ પણ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે થઈ શકાય તેવા આયોજનો કાર્યરત છે.