- મહિલાઓમાં પસંદગી પામેલ અજરખએ હવે વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું
કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી જ ઓળખ ધરાવે છે. આમ તો આ કલા 5 હજાર વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લાં 500 વર્ષથી પણ વધુ સમયથી “અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા” પર કામ થઈ રહ્યું છે. જો કે, આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું. ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” એટલે કે “જીઆઇ ટેગ” આપવામાં આવ્યું છે.
કચ્છી ખારેક બાદ કચ્છી અજરખ કળાને હાલમાં જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન એટલે કે,જીઆઇ ટેગ મળ્યું છે. કચ્છની કળા કારીગરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કચ્છી અજરખ કળા એ 5,000 વર્ષ જૂની કળા છે.જીઆઇ ટેગની માન્યતા મળતાં કારીગરોમાં આનંદની લાગણી છવાઈ હતી. અમદાવાદ ખાતે જીઆઇ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે આ હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરવામાં આવ્યું છે.જીઆઇ ટેગની માન્યતા બાદ હવે કારીગરોની માંગ પણ વધશે. મહિલાઓમાં પસંદગી પામેલ અજરખએ હવે વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું છે.
હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ એવા ઈસ્માઈલભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, અજરખ કળા એ પ્રાચીન સિંધની કળા છે. તેમાં મૂળ રંગ બ્લુ, લાલ અને કાળો હોય છે. તેની ખાસિયત એ છે કે, આ મટીરીયલ ખાસ ઉનાળામાં ઠંડક આપે છે. તો શિયાળામાં શરીરને ગરમ રાખે છે, આ તેની મૂળ ખાસિયત છે. અજરખ એ મૂળ માલધારીઓનો પોશાક છે, પણ કચ્છ તથા દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. અજરખ કળાએ જૂની હોવાની સાથે અઘરી કળા છે, જે વર્ષોથી કચ્છના કારીગરો સાચવતા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતાથી કચ્છની આ જૂની કળાની સામે, જે નકલી કળા છે તેને ફટકો પણ મળશે. આ થકી સાચા કારીગરોને માન સાથે તેમની માંગમાં વધારો થશે.
શું છે અજરખ કળા?
અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંઘથી આવેલી છે અને કચ્છના ધમડકા ખાતે આવીને નેચરલ ડાઈનું કામ કર્યા બાદ અહીંના ખત્રી પરિવારોએ ભુજ, ભચાઉ મહામાર્ગ પર અજરખપુર ગામ વસાવ્યું હતું. શાકભાજી, માટી અને પથ્થરોમાંથી પ્રાકૃતિક રંગો બનાવી લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઇન બનાવી અજરખના કારીગરોએ આજે દેશવિદેશમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. આ ડ્રેસ, સાડી, શર્ટ સહિત જેન્ટ્સ કપડાં પણ કારીગરો બનાવે છે. આ કારણે અજરખની માંગ વધતા કચ્છની આ અસલ કળાની નકલ પણ બનવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ હવે જીઆઇ ટેગની માન્યતાથી કારીગરો અને કળાની માંગ વધશે.