પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. જેના ગોબર અને ગૌમુત્ર થકી ઓછા ખર્ચની ખેતી કરી શકાય છે. જેમાં ઘર ગથ્થું સામગ્રીના માધ્યમથી જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ), જંતુનાશક અસ્ત્રો બનાવી શકાય છે. જે જમીનની ફળદ્રુપતા વધારીને પાકની વૃધ્ધિમાં વધારો કરે છે. એટલે જ પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ તરીકે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોને ઓળખવામાં આવે છે.
બીજામૃત:-
બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. જેને બીજઅમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.
બીજામૃત બનાવવાની રીત:-
બીજામૃત બનાવવાની પધ્ધતિ ખૂબ સરળ છે, કોઇ પણ ખેડૂત ઘર-આંગણે ઉપલબ્ધ ચીજ-વસ્તુઓમાંથી ઘરે જ સરળતાથી બનાવી શકે છે. જેમાં દેશી ગાયનું છાણ 5 કિગ્રા, ગૌમૂત્ર 5 લિટર, ખેતરની માટી 200 ગ્રામ અને ચૂનો 250 ગ્રામ જેને 20 લિટરની ડોલમાં નાખીને લાકડીની મદદથી ભેળવીને 24 કલાક સુધી રહેવા દેવુ, જ્યારે અમૃત પાણી તૈયાર થઈ જાય પછી બીજને સપાટ જમીન પર મુકી બીજને પટ આપવો, અને ત્યારબાદ વાવણી કરવી.
બીજામૃતથી બીજની સારવાર કરવાના ફાયદા:-
બીજની સારવાર કરવાથી શ્રેષ્ઠ પરિણામો મળે છે, બીજામૃત માંથી તમામ પોષક તત્વો મળે છે, જેનાથી તેની અંકુરણ ક્ષમતા વધે છે. બીજામૃતથી બીજ જન્ય રોગો સામે રક્ષણ મળે છે, તેમજ ફુગ અને જમીનમાં રહેલા રોગોથી બચવાની ક્ષમતા પ્રદાન કરે છે.
જીવામૃત:-
દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેકટેરિયાના દ્વાવણને જીવામૃત અથવા અમૃતપાણી કહેવામાં આવે છે. જેમા ઘણા બેકટેરિયા હોય છે, જે ખેતીમાં ઉપયોગી બને છે.
જીવામૃત બનાવવાની રીત:-
10 લીટર દેશી ગાયનું ગૌમુત્ર+ 10 કિગ્રા દેશી ગાયનું તાજુ છાણ + 1 મુઠ્ઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી+ 500 કિગ્રા દેશી ગોળ + 1 કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું અને તેને 200 લીટર પાણીના ડ્રમમાં નાખી મીલાવો, ત્યાબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું. પછી લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવારે-સાંજે ૨ વખત અને 5-5 મિનિટ માટે હલાવવું. આ જીવામૃત ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. જીવામૃત તૈયાર થયા પછી 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.
વાપરવાની રીત:-
એક એકર માટે 200 લી. જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.
જીવામૃતના ફાયદા:-
પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે પોષકતત્વો પુરા પાડે છે. ફુગનો નાશ કરે છે. અને જંતુનાશક તરીકે પણ કાર્ય કરે છે. જે જમીનને ઢીલી અને મુલાયમ રાખે છે. જેથી જમીનમાં ભેજ જળવાઈ રહેતા સિંચાઈ ઓછી કરવી પડે છે. આચ્છાદન એટલે મલ્ચિંગ આચ્છાદનને સરળ ભાષામાં કહીએ તો વનસ્પતિના પર્ણો અથવા પાકના અવશેષોથી જમીનને ઢાંકવાની પ્રક્રિયા. જમીનની ઉપરની સપાટી પર રહેતા સૂક્ષ્મ જીવો અને દેશી અળસિયાઓને પ્રતિકૂળ વાતાવરણ જેવા કે તોફાન, અતિશય વરસાદ, ગરમી, ઠંડી કે અન્ય જોખમોથી બચાવવા માટે કુદરતી આવરણથી ઢાંકવામાં આવે છે, જેને આચ્છાદન કહે છે.
આચ્છાદનના ફાયદા:-
આચ્છાદનથી પાકને ગરમીથી બચાવી શકાય છે, પાણી બાષ્પીભવન થતાં અટકે છે જેથી જમીનમાં ભેજ લાંબો સમય સુધી જળવાઈ રહે છે. તેમજ જમીનની ફળદ્રુપતા વધારનાર સૂક્ષ્મ જીવોનો વૃદ્ધિ થતાં પાકનો સારો વિકાસ થાય છે. આમ પ્રાકૃતિક ખેતીથી ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી લગભગ 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે.
પ્રાકૃતિક ખેતી થકી, નહીવત ઉત્પાદન ખર્ચ, પાકના પોષણક્ષમ બજાર ભાવ, પાણીની બચત, પર્યાવરણ જતન અને માનવીય સ્વાસ્થ્યનું પણ જતન થાય છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત અને બીજામૃત ઉપયોગ કરી જમીન તૈયાર કરવી, ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવાથી શ્રેષ્ઠ પરિણામો મળતા હોય છે.