પોરબંદર, વેરાવળ, બોટાદ, જામખંભાળીયા અને મોરબીમાં રાજ્ય સરકારે મંજુર કરેલી મેડિકલ કોલેજોને જીએમઇઆરએસ હેઠળ સમાવવાનો નિર્ણય
સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ, બોટાદ, જામખંભાળીયા અને મોરબીમાં રાજ્ય સરકારે મેડિકલ કોલેજને મંજૂરી આપી દિધા બાદ આ કોલેજોને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળ મૂકી દીધી છે. જેથી આ કોલેજોમાં શિક્ષણ ખૂબ ઓછી ફીએ મળશે.
તાજેતરમાં રાજ્ય સરકારે કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેઝ-૩ અંતર્ગત રાજપીપળા, નવસારી, પોરબંદર, વેરાવળ, બોટાદ, જામખંભાળીયા, ગોધરા અને મોરબી આમ કુલ ૮ શહેરોની હોસ્પિટલોને અપગ્રેડ કરી મેડિકલ કોલેજ ચાલુ કરવા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. કેન્દ્રએ આ તમામ દરખાસ્ત માન્ય રાખી તેના ઉપર મંજૂરીની મહોર મારી હતી. બાદમાં આ મેડિકલ કોલેજોને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળ સમાવેશ કરવાની બાબત વિચારણા હેઠળ હતી. વિચારણા હેઠળ આઠ મેડિકલ કોલેજોને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એક વર્ષની ફી ૯થી ૧૦ લાખ હોય છે. ત્યારે રાજ્યના નવી બનનારી આઠ મેડિકલ કોલેજોને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળ સમાવવામાં આવતા ત્યાં એક વર્ષની ફી અંદાજે ૨ લાખ જેવી હશે.