બજેટ દરમિયાન સરકારે રાખેલો નાણાકીય ખાદ્યનો અંદાજ મહામારીના કારણે ધુંધળો
કોરોના મહામારીના કારણે દેશની રાજકોષીય ખાદ્ય એપ્રીલથી જૂનના કવાર્ટરમાં સાડા છ લાખ કરોડને આંબી ચૂકી છે. સરકારની કુલ મહેસુલી આવક કરતા કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષિય ખાદ્ય સર્જાતી હોય છે. તેમાં બોરોઈંગ એટલે કે, સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી. કુલ ઘરેલું ઉત્પાદન પણ રાજકોષિય ખાદ્યમાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈ લક્ષ્યાંક નક્કી થયા બાદ આગલા વર્ષમાં તેને પુરો કરવા માટે ખર્ચનો અને આવકનો તાલમેલ બેસાડવો પડે છે. વર્તમાન સમયે આખા વર્ષ દરમિયાન રાખવામાં આવેલો રાજકોષિય ખાદ્યનો ૮૩ ટકા ભાગ તો ૩ મહિનામાં જ પુરો થઈ ગયો છે. કોરોના મહામારીના કારણે ટેકસ કલેકશનમાં ગાબડુ પડ્યું છે. ઉપરાંત આરોગ્ય અને અનાજ વિતરણમાં સરકારનો ખર્ચ વધ્યો છે. સરકારે ગત બજેટમાં રાખેલા અંદાજ કરતા નાણાકીય ખાદ્ય વધવા પામી છે.
નાણાકીય ખાદ્ય વધવી તો એક રીતે ચિંતાનો વિષય છે. તેવી રીતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થતંત્રમાં સરકારે ગાબડુ ન પડે તે માટે કરેલા પ્રયત્નો કારગત નિવડશે કે કેમ તે પણ મોટો પ્રશ્ર્ન બન્યો છે. નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓએ જીડીપી ૭.૫ ટકાને ક્રોસ થઈ જશે તેવી ધારણા કરી હતી. અલબત કોવિડ-૧૯ની મહામારીના કારણે સરકાર દ્વારા જીડીપીમાં ૩.૫ ટકાના ઝડપી ઘટાડાનો અંદાજ પણ લગાવાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે અર્થતંત્રમાં ૫.૧ ટકાના ગાબડાની ભીતિ સેવાઈ રહી હતી. જો કે, કોરોના મહામારી વધુ વકરે તો અર્થતંત્ર ૯.૧ ટકા સુધી ગબડી શકે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે. જો આવી સ્થિતિ ઉભી થશે તો ૧૯૭૯ બાદ દેશમાં આવી ભયંકર આર્થિક સ્થિતિનો સામનો કરવો પડશે તેવો ડર છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ જુનથી ૩ મહિનાના ગાળામાં એકંદરે કરવેરા ઉઘરાવવામાં ૪૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ૨.૫૧ લાખ કરોડનું ટેકસ કલેકશન થયું હતું. જે ચાલુ વર્ષે ૪૬ ટકા જેટલું ઘટીને ૧.૩૫ લાખ કરોડે પહોંચ્યું છે.
સરકારે રાજકોષિય ખાદ્ય ગંભીર રીતે વધે નહીં તે માટે ઈંધણના ભાવમાં પણ નજીવો વધારો કર્યો છે. રાજકોષિય ખાદ્યને બેલેન્સ રાખવાના પડકાર મોટા છે. હાલની સ્થિતિએ કોરોના મહામારીના કેસ ૧૬ લાખથી વધી ગયા છે. કોરોનાના પ્રથમ ત્રણ મહિનામાં સરકારે ધારણા કરતા ૧૩ ટકા વધુ રૂપિયા એટલે કે, ૮.૧૬ લાખ વાપરી નાખ્યા હતા. બજેટમાં સરકારે રૂા.૭.૨૨ લાખ કરોડ વાપરવાનો અંદાજ માંડ્યો હતો. અલબત મહામારીના કારણે સરકારને અનાજ આપવામાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સ્થળાંતરીતોને નોકરી આપવામાં મસમોટો ખર્ચ થયો હતો. માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા બાદના બે મહિનામાં અર્થતંત્રને ગંભીર ફટકા પડ્યા હતા.
બજેટમાં સરકારે રાખેલો અંદાજપત્રીય ખાદ્યનો હિસાબ કોરોના મહામારીએ બગાડ્યો હોવાનું ફલીત થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૭.૮ લાખ કરોડનો ખર્ચ કરવાની ગણતરી સરકારની હતી. આ અંદાજપત્રીય ખર્ચ નક્કી થયો હતો. અલબત ખર્ચ વધી જતાં બજારમાંથી રૂા.૧૨ લાખ કરોડ બજારમાંથી ઉપાડવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
સૌથી સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડ રિઝર્વ ૧ લાખ કરોડથી સીધુ ૪૦ લાખ કરોડે પહોંચ્યું
કોરોના મહામારીમાં વિશ્ર્વના ઘણા દેશો ઉપર જોખમ વધવા પામ્યું છે. જેમ જેમ જોખમ વધે તેમ-તેમ સોનાના ભાવ ઉપર જાય છે. સોનુ રોકાણ માટે સર્વશ્રેષ્ઠ રિકવીડ છે. આવી સ્થિતિમાં સતત વધી રહેલા ભાવ પાછળ અનેક રાજકીય, સામાજિક અને આર્થિક તર્ક છે. એક તરફ દેશમાં ટેકસ કલેકશન ઘટયું છે. બીજી તરફ સરકારે વધુને વધુ સોનુ રિઝર્વ કરવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે દેશમાં એક સમયે માત્ર ૧.૩૫૭ બીલીયન ડોલર એટલે કે, ૯ હજાર કરોડ જેટલું ગોલ્ડ રિઝર્વ હતું જે હવે વધીને ૩૬.૧૦ બીલીયન ડોલર એટલે કે ૨.૭૦ લાખ કરોડે પહોંચી ચૂકયું છે. આવી જ રીતે દેશના ફોરેન એકસચેન્જમાં પણ ધરખમ વધારો થયો છે. કોંગ્રેસ સરકાર સમયે દેશમાં વિદેશી હુડીયામણ ૪૩૮ બીલીયન ડોલરે હતું જે મોદી સરકારના કાર્યકાળમાં ઝડપથી વધવા પામ્યું છે અને છેલ્લા આંકડા મુજબ ૫૨૨.૬૩ બીલીયન ડોલર એટલે કે, ૩૮.૭૦ લાખ કરોડે પહોંચ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ૪.૯૯ બીલીયન ડોલરનો ઉમેરો થયો છે. અત્યારે યુરો, પાઉન્ડ અને યેન સહિતના ચલણમાં બોલેલા કડાકા બાદ વૈશ્ર્વિકસ્તરે હિસાબ સરભર રાખવા માટે ભારતમાં ફોરેકસનો સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વૈશ્ર્વિક બજારમાં જે દેશ પાસે વિદેશી હુંડીયામણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે તે દેશ સધ્ધર માનવામાં આવે છે. આ વૈશ્ર્વિક મહામારીના સમયમાં પણ ભારત દેશે તેનું વિદેશી હુંડીયામણમાં જે વધારો નોંધાવ્યો છે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પહોંચશે.