સાહસ, અડીખમ જુસ્સાથી પડકારોને પાર કરી સુવર્ણ ઇતિહાસ રચ્યો ૨૩મે ૧૯૮૪ના બપોરે ૧ વાગે ‘એવરેસ્ટ’ શિખરે ત્રિરંગો લ્હોરાવ્યો હતો
કેટલાંક નામ એવા હોય છે કે તેના થકી આખા દેશનું નામ ઉજળું થતું હોય છે. તમે જીવનમાં જેવું વિચારો તેવુ શકય છે પણ તમારા લક્ષ્ય અને આર્દશો સ્થિર હોવા જોઇએ. કોઇપણ આ સાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઇક નોખું અને અનોખુ કરવા નિર્ણય અને ઇચ્છા પ્રબળ હોવી જોઇએ. સફળતાની મુખ્ય શરત છે હિંમત, દૃઢ વિચારોનું મનોમળ સમગ્ર વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. કરવા લાયક કામોથી વિશ્ર્વ ભરેલુ છે તમે તકની વાટ ન જોવો અને પેદા કરો. સફળ વ્યક્તિઓમાં હકારાત્મક વલણ, લક્ષ્યપ્રત્યેની સભાનતા, ત્વરિત નિર્ણય શક્તિ, સફળ નેતૃત્વ, આત્મવિશ્ર્વાસ, ઉત્સાહ અને સ્વસ્થ તંદુરસ્ત શરીર હોય છે. આપણા પુરુષ પ્રધાન દેશમાં એક મહિલાના સાહસ થકી વૈશ્ર્વિક સ્તરે ભારતનું નામ પર્વતારોહક બચેન્ટ્રી પાલે વિશ્ર્વનાં સૌથી ઉંચા શિખર ઉપર ભારતીય ધ્વજ લ્હેરાવ્યો ત્યારે રોશન થયું હતુ.
આ એવા સમયની વાત છે, જયારે ભારતમાં સાહસ કરવામાં માત્ર પુરુષોનો ઇજારો ગણાતો હતો. સ્ત્રીઓ માટે બહાર નીકળીને સાહસો બતાવવાની વાત લોકોને નવાઇ પમાડતી. દેશના વડાપ્રધાન પદે મહિલા હોવા છતાં હજુ સ્ત્રી તરફની માનસિકતામાં કોઇ ચમત્કારિક પરિવર્તન નહોતું આવ્યું. જોકે એવું તો આજે પણ નથી, ત્યારે છેક ૧૯૮૦-૮૫ના સમયની તો વાત શું કરવી? પણ કહેવાય છે ને કે દરેક પડકારોને, દરેક બંધનોને તોડી પાડવાની પહેલ કોઇને કોઇ તો કરે છે. આજે એક એવી જ સાહસી સ્ત્રીના સાહસની વાત કરવાની છે.
દેવોની ભૂમિ ગણાતા ઉત્તરાખંડ (એ કાળે ઉતરપ્રદેશ)ના ગરવ્હાલ જિલ્લાના એક નાનકડા ગામમાં ૨૪ મે, ૧૯૫૪ના દિવસે મધ્યમ વર્ગીય કિશનસિંઘના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થયો. જોકે તે સંતાનના જન્મની ખાસ કોઇ મીઠાઇ કે વધાઇ ખાવામાં નહોતી આવી, કારણ કે એ કાળ પુત્રમોહનો હતો, અને કિશનસિંઘને ત્યાં પુત્રી જન્મી હતી.
એ કૂટડી છોકરીનું નામ રખાયું, બચેન્દ્રી. એ પછી કિશનસિંહને ત્યાં બીજા બે સંતાનોનો પણ જન્મ થયો. કિશનસિંહ ભારતમાંથી તિબેટમાં કરિયાણું અને જીવનજરૂરી વસ્તુઓ વેચવા જતો હતો. કિશનસિંહને તેના તમામ સંતાનોની જેટલી ફિકર નહોતી સતાવતી, એટલી એને બચેન્દ્રીની થતી હતી. બચેન્દ્રી આખા ગામમાં તેની મસ્તી અને તોફાનોને કારણે વગોવાઇ ગયેલી. જે સમયે છોકરીઓ ઘરે બેસીને ચૂલા-ચકકી સંભાળતી હતછ, એવા સમયે બચેન્દ્રી ટોમ ગર્લ બનીને શરારત કરતી હતી. જોકે માત્ર રમવા કે હલ્લાગુલ્લામાં જ બચેન્દ્રી આગળ હતી એવું નહોતું, એ ભણવામાંય અવ્વલ હતી, રમત ગમતમાંય બચેન્દ્રીની ફિટનેસને પડકારવી અઘરી લાગતી હતી. રાઇફલ શૂટિંગમાં તેણે સ્થાનિક સ્તરે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતોફ
બચેન્દ્રીના જીવનમાં અગાઉથી જ લખાઇ ગયું હતું કે, આ છોકરી કંઇક મોટું સાહસ ખેડવા જ આવી છે. અને નસીબ તેના જીવનમાં એવા ટર્ન પણ ગોઠવતું જતું હતું. બચેન્દ્રીનું શાળાકીય શિક્ષણ પુરું થયું, એટલે તેના ઘરમાંથી તો નિર્ણય લેવાઇ ગયો હતો કે બસ, હવે અભ્યાસ બહુ થયો. પણ બચેન્દ્રીના જીવનને સારી પેઠે જાણતા તેના પ્રિન્સિપાલે છેવટે કિશનસિંહને બચેન્દ્રીને આગળ ભણાવવા મનાવી લીધા અને ગ્રેજયુએટ થનારી બચેન્દ્રી તેમના ગામની પહેલી છોકરી હતી.
ગામ અને આસપાસના વિસ્તારો પર્વતોથી ઘેરાયેલા હોવાના કારણે તેનામાં પર્વતો તરફ લગાવ તો પહેલેથી જ હતો. બચેન્દ્રી ૧૨ વર્ષની હશે ત્યારે શાળામાંથી પિકનિક જવાનું થયેલુ. નાનકડી બચેન્દ્રી પણ તેમાં ગઇ અને બસ અહીંથી તે તેના જીવનનો પેશન-પ્રેમ પારખી ગઇ. પિકનિકમાં તે અને તેના કેટલાક દોસ્તોએ ૧૩ હજાર ફૂટ ઉંચા પહાડ પર અવરોહણ કર્યું. જોકે તેઓની આ સફર કંઇ યાદ રાખવા જેવી આનંદમય નહોતી વીતી પહાડ ચડતાં સુધીમાં ખાસ્સી સાંજ ઢળી ગઇ હતી અને તેઓ ટોચે પહોંચવાની ખુશી મનાવે તે પહેલા તો તેમને ખ્યાલ આવ્યો કે હવે અધારું એટલું ધેરાઇ ગયું છે કે તેઓ પાછા નીચે જઇ શકે તેમ નથી. ઊંચાઇ પર અધારું કેટલી ગાઢ અને ભયાનક રીતે છવાય છે તે પહેલી વાર બચેન્દ્રીને ખ્યાલ આવ્યો. રાત પર્વત પર જ વિતાવવાનો તેમણે નિર્ણય કર્યો. જો કે રાત જેમ પર્વત પર છવાતી ગઇ એમ એમને ખ્યાલ આવતો ગયો કે તેમનો નિર્ણય કંઇ ખાવાના ખેલ જેવો સરળ નહોતો. પાસે ન તો પાણી હતું, ન કંઇ ખાવાનું. અંધારું ગાઢ બનતુ જતુ હતુ એમ ઠંડી પણ તેનો પરચો બતાવવા માંડી હતી. ઠંડીથી રક્ષણ આપે તેવું એમની પાસે એકબીજાના સાથ અને બચી જઇશું એવી આશા સિવાય કંઇ નહોતું.
બીજા દિવસનાં સૂર્યનાં કિરણોએ આકાશને ભેદયું ત્યારે તેમને હાશાની લાગણી થઇ. આખી રાત ઠંડીમાં થથરતા રહેવાના કારણે તેમનું શરીર અકડાઇ ગયું હતું, પણ જો તેઓ નીચે ઉતરવામાં વાર કરે તો કદાચ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી હતી. એટલે બપોરના તડકાથી શરીરમાં ગરમી પેદા થાય એ પછી ઉતરવાને બદલે, તેમણે સૂર્યના આગમનની છડીના પોકાર સાથે જ નીચે ઉતરવા માંડયું.
પર્વતરોહણનો બચેન્દ્રી અને તેના સાથીઓનો આ પહેલો અનુભવ જ ડરાવનો રહ્યો. માત્ર ૧૨ વર્ષની ઉંમરે આવા સાહસનો અનુભવ જો કોઇ બીજા બાળકને થયો હોય તો કદાચ તેના જીવનમાં આ જીવન પર્વતારોહણ તરફ ડર ઘૂસી જાય. પણ બચેન્દ્રીના જીવનના આ પ્રથમ પર્વતરોહણના અનુભવે તેનામાં પર્વતો તરફ પેશન સજયું. બસ, એ જ ક્ષણે તેણે નકકી કરી લીધું કે તે હવે આ પર્વતોની ટોચ વચ્ચે જ પોતાનું જીવન વિતાવશે અને તેને સર કરવાના સાહસમાં જ તે જીવનનો આનંદ લૂંટશે.
જો કે બચેન્દ્રીની આ રાહ આસાન નહોતી. તેણે વ્યાસાયિક તાલીમ લેવાનું ઠેરવ્યુ, નહેરુ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં અભ્યાસ કરવાનું ઠેરવ્યું. જોકે તેના પરિવારવાળા તથા સગા સંબંધીઓએ તેનો વિરોધ કર્યો, પણ બચેન્દ્રી સર્વના ભોગે પણ પોતાના નિર્ણયમાં અડગ રહી. ૨૭ વર્ષની ઉંમરે પોતાની તાલીમ દરમિયાન જ બચેન્દ્રીએ ગંગોત્રી (૨૧,૯૦૦ ફૂટ) જેવા પર્વતો સર કર્યો. પણ બચેન્દ્રીનું લક્ષ્ય ગંગોત્રી જેવા શિખર નહિ, પણ વિશ્ર્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ હતું.
વર્ષ ૧૯૮૪ના માર્ચ મહિનામાં છેવટે એ ઘડી પણ આવી ગઇ જયારે બચેન્દ્રીને તેના સપનાને સાકાર કરવાની તક મળી. બચેન્દ્રી તેના સહાય અને હિંમત થકી ભારતના ખ્યાતનામ પર્વતારોહકોમાં ગણાવા લાગી હતી. અને એટલે જ માર્ચ, ૧૯૮૪માં જયારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની જે ૧૧ જણની ટીમ જાહેર થઇ તેમાં છ ભારતીયોમાંથી એક નામ બચેન્દ્રી પાલનું પણ હતું. નકકી કરેલા દિવસે નેપાળના કાઠમંડુ ખાતેથી યાત્રાની શરૂઆત થઇ.
જોકે યાત્રા કંઇ સરળ નહોતી. યાત્રા શરૂ થયાના થોડા દિવસમાં અનુકૂળ વાતાવરણ ધીરેધીરે પ્રતિકૂળ થવા માંડયું. બરફના તોફાને ૧૧ પર્વતરોહકોની હિંમતની કસોટી કરવાનું શરૂ કર્યું. બચેન્દ્રી સહિત તેના મોટાભાગના સાથીઓઆ ગંભીર કટોકટીમાં અટવાઇ પડયા. વધતી જતી ઠંડી અને ઊંચાઇ પર પાતળી થતી જતી હવા તેમના શરીરને જાણે બેભાનની અવસ્થામાં લઇ ગયું. જીવન ટકાવવાનો દિલધડક સંઘર્ષ શરૂ થયો. ૨૩,૦૦૦ ફૂટના બર્ફીલા ગ્લેસિયર્સ તેમના શીરને પીગળાવી રહ્યા હતા. આ બધા અવરોધો છતાં તેમના સાથીઓની ટોચે પહોંચવાની મકકમતા ડગી નહોતી. મોતને હાથતાળી આપતાં છેવટે તેમણે આ સફળ આગળ ધપાવી.
૨૩,મે ૧૯૮૪ના દિવસે બપોરે બરોબર એક વાગે બચેન્દ્રીએ માઉન્ટ એવરેસ્ટ પર ભારતીય ઘ્વજ લહેરાવ્યો અને એ સાથે તેણે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું. બચેન્દ્રીના સાહસ પર ભારતીયો અને પૂરા વિશ્ર્વે પ્રશંસાનાં ભરપૂર ફૂલ વરસાવ્યાં. જે પરિવાર તથા સગા સંબંધીઓએ બચેન્દ્રીના પર્વતારોહણના પ્રેમને ગાંડપણ કહીને મોં ફેરવી લીધું હતુ, એ બધાને બચેન્દ્રીનો આ વિજયી જવાબ હતો.
આ પછી તો બચેન્દ્રી અનેક સાહસયુકત સફરો ખેડી ચૂકી છે. પદ્મશ્રીથી માંડીને અર્જુન અવોર્ડ, નેશનલ એડવેન્ચર અવોર્ડ, મહિલા શિરોમણી અવોર્ડ જેવા ૧૫થી વધુ વિવિધ અવોર્ડ પોતાના આ સાહસ માટે બચેન્દ્રીના ખાતામાં ગયા છે. તેણે મહિલા પર્વતારોહકોમાં સાહસ રોપવા તેમને તાલીમ આપવાનું પણ બીડું ઝડપ્યું છે. આજે તે મહિલા પર્વતારોહકોને તાલીમ આપવાનું કામ કરી રહી છે.
જે સમયે સ્ત્રીઓ માત્ર ઘરગુથ્યુ જવાબદારીઓ સંભાળતી હતી, ત્યાં બચેન્દ્રીએ માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ધ્યજ લહેરાવીને લાખો મહિલાઓને પ્રેરણા આપવાનું કામ કર્યુ છે.