ભારત તથા આસપાસનાં દેશોમાં સફેદ રંગની દેવચકલી કયારેય જોવા મળી નથી: ચકલી રંગસુત્રોની ખામી ધરાવતી હોવાથી તેનો કલર સફેદ

જામનગર અને તેનો દરિયા કિનારો જે ખંભાતના અખાતમાં આવેલો છે, જે હંમેશાં માટે દેશ-વિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન રહ્યો છે. પછી તે દરિયાઈ પક્ષી હોય કે વનવગડાના પક્ષીઓ, જામનગરના આંગણે દરવર્ષે યાયાવર પક્ષીઓનો મેળો ભરાયેલો રહે છે.

ર૯-મે-ર૦ર૦ ની સવારે જામનગરના વાઈલ્ડલાઈફ ક્ષેત્રે વરસોથી કાર્યરત અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો અંકુર ગોહિલ, વિશ્વાસ ઠક્કર અને આનંદ પ્રજાપતિ ખીજડીયા પક્ષી અભ્યારણ્યની બહારની તરફ શહેર નજીકના વિસ્તારમાં પક્ષીઓની ફોટોગ્રાફી માટે નીકળ્યા હતાં ત્યારે એક સ્થળ પર અંકુરને વૃક્ષો પરના પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન એક બાવળના વૃક્ષ પર એક અલગ જ પ્રકારના નાના એવા સફેદ કલરના પક્ષીની હલચલ નજરે પડતા થોડું આશ્ચર્ય થયું હતું અને તેણે સૌ નું ધ્યાન દોર્યુ હતું. સૌપ્રથમ તેના દૂરથી જ થોડા ફોટોગ્રાફ લીધા અને કેમેરાની સ્ક્રીન પર જોતા એક સુખદ આંચકા વચ્ચે આ પક્ષી રંગસૂત્રોની ખામીથી ઉત્પન્ન થતા “એલ્બીનો” પ્રકારની હોવાનું અને આ પ્રકારની આ નાની એવી આ દેવચકલી લાઈફમાં સૌપ્રથમ વખત જોવાનો રોમાંચ અને આનંદ થતા આ સ્થળે એકાદ કલાક જેટલો સમય ફાળવી તેની નજીકથી ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કરેલ સતત ઉડાઉડ અને કાંટાળા વૃક્ષોમાં છુપાઈ જતી આ અલભ્ય ચકલીને કેમેરામાં કંડારવાની કેટલીક અદ્ભુત ક્ષણો મળવા પામી હતી.

ગુજરાત અને ભારતમાં તથા ભારત નજીકના દેશોમાં આ પ્રકારની દેવચકલી ક્યારેય જોવા મળે છે કે નહીં તે અંગેની જાણકારી મેળવવા માટે જામનગરના જાણીતા પક્ષીવિદ્દોએ અનેક રેકોર્ડ ચકાસવાના શરૃ કર્યા, પરંતુ આ પ્રકારની દેવચકલી ક્યાંય જોવા મળી ન હોવાનું જાણવા મળ્યુ હતું અને આ દેવચકલી “લ્યુકિસ્ટિક દેવચકલી” (રંગ સૂત્રોની ખામી ધરાવતી) હોવાનું તારણ નીકળ્યું હતું.

એક જાણકારી મુજબ પોતાના કુદરતી રંગોથી અલગ રંગ ધરાવતા પક્ષીઓની જિંદગી ટૂકી હોવાનું જાણવા મળે છે, કારણ કે, દરેક પશુ-પક્ષીઓને કુદરતે તેમના શીકારીઓથી બચવા ચોક્કસ પ્રકારના રંગો આપેલા છે, જેના કારણે સંકટ સમયે તે શિકારી પક્ષીઓથી પોતાની જાતને છુપાવી શકે ત્યારે તેનો અલગ રંગ તેને આસાન શિકાર બનાવી શકે છે. પરંતુ જામનગરમાં જોવા મળેલ આ સફેદ કલરની દેવચકલી શારીરિક મજબુત, તંદુરસ્ત અને પુખ્ત વયમાં હોવાનું જણાય છે. કદમાં ચકલી જેવડું આ પક્ષી ના નરનો રંગ કાળો પણ અંદરથી ભૂરી ઝાંચવાળો અને માદા નિસ્તેજ ભૂરા રંગની હોય છે. ચાંચ, પગ અને આંખ પણ કાળા રંગની હોય છે.

આ દેવચકલી (ઈન્ડિયન રોબીન) પક્ષીઓમાં આ “લ્યુકિસ્ટિક દેવચકલી” સૌપ્રથમ વખત જામનગરમાં જ જોવા મળી આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ પ્રકારનો રેકોર્ડ પક્ષીઓની અનેરી દુનિયામાં એક વિશ્વ રેકોર્ડ પુરવાર થઈ રહેશે અને તેનો યશ જામનગરના ઉપરોક્ત ત્રણેય પક્ષીપ્રેમીઓને મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.