રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુ સંપુર્ણ રીતે નૈસ્રર્ગિક સ્થિતિમાં સ્થાપિત થયેલ છે. વનરાજી તથા નૈસર્ગિક જંગલ જેવી સ્થિતિમાં રચાયેલ પ્રદ્યુમન પાર્ક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ પ્લાસ્ટીક મુકત “ જાહેર કરવામાં આવેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્વપ્રથમ પ્લાસ્ટીક મુક્ત ઝૂ બનવાનું ગૌરવ પ્રધ્યુમન પાર્ક ઝુ ને પ્રાપ્ત થયું છે. ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ઝૂ ખરા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત જ બની રહે તે માટે એક નવી સિસ્ટમ કાર્યરત્ત કરવાનું નક્કી કરવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જો કોઈ કિસ્સામાં મુલાકાતીઓ પ્લાસ્ટીકની બોટલ કે અન્ય કોઈ પ્લાસ્ટીકની ચીજ વસ્તુ લઈને ઝૂમાં પ્રવેશ કરે છે તો તેની પાસેથી ટિકિટ બારી ઉપરથી પ્લાસ્ટીકની દરેક ચીજ દીઠ રૂ.૧૦/- વસૂલ કરવામાં આવશે અને જ્યારે આ મુલાકાતી ઝૂ માં ફરીને પ્રત જતા હોય ત્યારે પ્લાસ્ટીકની એ તમામ ચીજ વસ્તુ ટિકિટ બારી પર બતાવી પ્લાસ્ટીકની દરેક ચીજ વસ્તુ પર અગાઉ ચુકવાયેલા પોતાના દસ-દસ રૂપિયા પ્રત મેળવી શકશે. આ નવી વ્યવસ્થાનો આશય પ્રદ્યુમન પાર્ક ઝૂને ઝીરો પ્લાસ્ટિક બનાવી રાખવાનો છે અને તેમાં સૌ મુલાકાતી નાગરિકો સહયોગ આપે તેવો અનુરોધ છે.
પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે ટીકીટબારીએથી ટીકીટ લઈને પ્રવેશતા સહેલાણીઓની પ્રવેશ દ્વારા પાસે ચકાસણી કરવામાં આવે છે અને કોઈપણ પ્રવાસી કોઈપણ પ્રકારનું પ્લાસ્ટીક પ્રધ્યુમન પાર્ક ઝુ માં ન લઈ જઈ શકે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.
તદઉપરાંત પ્રધ્યુમન પાર્ક ઝુ માં આવેલ કેન્ટીન કે ફુડ કોર્ટમાં પણ પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. કેન્ટીન સંચાલન દ્વારા વેફર પણ કાગળની ડીસમાં આપવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે પ્લાસ્ટીકની કોઈપણ વસ્તુનો ઉપયોગ ન થાય તે માટે પ્રતિબધ્ધ છે.