ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે: માતાજીના રથની આગેવાનીમાં ગરબા ગાઈને ભાવિકો ખોડલધામ પહોંચશે.
નવરાત્રી પર્વ માતાજીની આરાધના કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય હોય છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થયા બાદ વર્ષ ૨૦૧૧થી આસો મહિનાના પહેલા નોરતે ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતે સવારે ૭ કલાકથી કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
લેઉવા પટેલના હૃદય સમ્રાટ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન કરાશે. પદયાત્રામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગળ માતાજીનો રથ રહેશે અને ભકતો માતાજીના ગરબાનું ગાન કરતા ખોડલધામ પહોંચશે. ખોડલધામ ખાતે ભકતો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે અને દરરોજ સવાર-સાંજ ઘ્વજારોહણ થશે.
નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી સવારે ૭ કલાકથી ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો સહભાગી થશે. ખોડલધામ પદયાત્રામાં માતાજીના રથની આગેવાની પાછળ ભાવિકો કાગવડ ગામથી ખોડલધામ પહોંચશે. ખોડલધામ પહોંચ્યા બાદ માઈ ભકતો માટે ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
કાગવડ ગામથી લઈને ખોડલધામ સુધીના પદયાત્રાના આખા રુટ પર સેવા આપવા સ્વયંસેવકો ખડેપગે રહેશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત સાત વર્ષથી આસો મહિનાની નવરાત્રીના પહેલા નોરતે પદયાત્રા નીકળે છે. આ વખતે પણ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની બે કિલોમીટરની પદયાત્રા નીકળશે. પદયાત્રા સમયે સમસ્ત કાગવડ ગામ અને પદયાત્રાનો માર્ગ શણગારમાં આવશે.
પદયાત્રાને લઈને અત્યારથી જ લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નોરતાની પ્રથમ આરતીમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ તથા લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાશે. નવરાત્રી દરમિયાન દરરોજ ખોડલધામ પરિસરના હવનકુંડમાં હવન કરાશે તથા ભકતો દ્વારા દરરોજ ઘ્વજારોહણ કરવામાં આવશે.
ખોડલધામ ટ્રસ્ટે ૨૦૧૧થી આસો મહિનાના પહેલા નોરતે ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષના આસો મહિનાના પહેલા નોરતે પણ ચાલુ રહેશે. નવરાત્રીના નવે-નવ દિવસ દરમ્યાન માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે અને સાથોસાથ મંદિર પરીસર લાઈટીંગથી ઝળહળી ઉઠશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સમાજના લોકો પારીવારીક માહોલમાં રાસ-ગરબે રમી શકે એ માટે ચાર જીલ્લામાં નવરાત્રીનું આયોજન કરેલ છે. જેમાં જુનાગઢ, જામનગર, અમરેલી અને રાજકોટના ચાર ઝોનમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમશે.