કોકોનટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

સોશિયલ મીડિયાના  પ્લેટ ફોર્મ ઉપર દરરોજ  સાંજે 6 વાગે  કલારસિકોની માનીતી  કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી ગુજરાતી તખ્તાને  સંગ દેશ -વિદેશના ખૂણેખૂણેથી કલા પ્રેમી લાઈવ જોડાઈને માણી રહ્યા છે. જગત આખામાં પ્રીત પિયુ ને પાનેતર નાટક ના બાવીસ વર્ષનો બાબલો તરીકે  પ્રખ્યાત અમદાવાદ રંગભૂમિના સુપ્રસિદ્ધ નિર્માતા, કલાકાર રાગી જાની  રવિવારે  કોકોનટ થિયેટર ના ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – 3 માં લાઈવ આવ્યા હતા.

નાનપણથી જ પિતાની આંગળી પકડી એમના પગલે-પગલે નાટકોમાં જતા  રાગી ભાઈએ પોતાના અનુભવો પ્રેક્ષકો સાથે શેર કરતા જણાવ્યું કે લગભગ 26 વર્ષ સુધી પ્રથમ તો નાટકમાં બેકસ્ટેજનું કામ કર્યું, જેમાં કલાકારોને પાણી આપવું, એમના ચપ્પલ ઉપાડવા, કપડા ઈસ્ત્રી કરવા, સેટ લગાડવો વગેરે કામ કર્યા અને એ જમાનામાં ભૂલ થતી ત્યારે સમજાવવામાં નહોતું આવતું, સીધો પપ્પાના હાથનો માર પડતો પણ એ માર ગુસ્સાનો નહિ પણ સમજણનો માર હતો.

જેના થકી કંઈક શીખવા મળતું. કલાકાર ના જીવન માં લાકડા નું મહત્વ ઘણું છે એમ કહેતા રાગી ભાઈએ કહ્યું કે કલાકાર જન્મે ત્યારે લાકડાના ઘોડિયામાં હોય અને મોટો થાય ત્યારે એના પગ નીચે પણ લાકડું જ હોય. લાકડા સાથેની માયા કલાકારની અંત સુધી રહે જ છે. પપ્પા સાથે નાટકોમાં જ્યારે જતો ત્યારે રીહર્સલ દરમ્યાન કોઈ કલાકાર ન આવ્યા હોય તો એના સંવાદો બોલવા અથવા એમની ગેરહાજરીમાં એમના નાના રોલ કરી લેવા, આવી બધી જવાબદારીઓ પણ ઉપાડી અને નાટકનો ભણતર અને ગણતર શીખ્યો. કોમેડી, ગંભીર દરેક પ્રકારના રોલ કર્યા.

આજના યુવાનોને રાગી ભાઈએ પોતાના અનુભવ જણાવતાં કહ્યું મેટાડોર વાહનમાં વર્ષો સુધી અલગ અલગ જગ્યાએ જઈને નાટકો ભજવ્યા જે વાહનમાં પંદર-સત્તર કલાકારો એક સાથે હોય તે બધા સાથે મળીને નાટકનો સેટ જાતે લગાડે, પોતાના કામ જાતે કરે, મેકઅપ જાતે કરે અને સાથે સ્ટેજ પર અભિનયના અજવાળા પાથરી અને પ્રેક્ષકોની વાહ-વાહ મેળવે એ સમયે મહેનતનો બધો જ થાક ઉતારી જાય અને તાળીઓ સાંભળતા ખૂબ આનંદનો અનુભવ થાય. આજના યુવાનોને આ બધી મહેનત નથી કરવી પડતી પણ એમણે આ બધું શીખવું જોઈએ. રાગી ભાઈએ યુવાનોને ખાસ જણાવ્યું કે કલાકાર બનવા માટેનું પ્રથમ પગથિયું રંગભૂમિ જ હોવું જોઈએ પણ પ્રથમ એમણે પોતાના ભણતર ઉપર ધ્યાન આપ્યા બાદ જ કલાકાર તરીકેની કારકિર્દીમાં જોડાવું જોઈએ.

આ સિવાય પણ ઘણી જાણવા અને સમજવા જેવી વાતો રાગી ભાઈએ કોકોનટ ફેસબુકના માધ્યમથી લોકોને કરી જે આપ સૌ કોકોનટ ફેસબુકના પેજ ઉપર જોઈ શકશો, તમે જો રાગી  ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના  અબતકના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં સુચિતા ત્રિવેદી, અમી ત્રિવેદી વોરા, વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને  આપના મનગમતા મહેમાનને લાઈવ માણી શકો છો.

કલાકાર ‘કરોડપતિ’નો અભિનય કરતો હોય તો એને કરોડપતિ દેખાવું પડષ: કલાકાર જીતેન્દ્ર ઠકકર

ગુજરાતી રંગભૂમિ પર વર્ષોથી કાર્યરત. દરેકે દરેક કલાકાર કસબી જેમને  પર્સનલી ઓળખે છે. એવા નિર્માતા, કલાકાર અને ગુજરાત પ્રમાણપત્ર બોર્ડના સભ્ય  જીતેન્દ્ર ઠક્કર  શનીવારે  ચાય-વાય રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – 3 માં મહેમાન તરીકે પધાર્યા. જેમનો વિષય હતો ગુજરાતી રંગભૂમિ અને સરકારી યોજનાઓ. જીતેન્દ્ર ભાઈએ મુંબઈ અને અમદાવાદની ગુજરાતી રંગભૂમિ તથા સરકારી યોજનાઓ વિષેની વાતો કરી અને આખી દુનિયામાં કોકોનટના ફેસબુક પેજ પર જોડાયેલા પ્રેક્ષકોના સવાલોના સંતોષકારક જવાબ આપ્યા. જીતેન્દ્ર ભાઈએ જણાવ્યું કે ઘણા સમય પહેલા મુંબઈ થી અમદાવાદ નાટક આવતા ત્યારે અમદાવાદના લોકો ખાસ મુંબઈનાં નાટકો જોવા જતા.

કારણ કે મુંબઈના નાટકોના ભવ્ય સેટ, કોશ્ચ્યુમ વગેરે જોવા માટે ખાસ પ્રેક્ષકો આવતા, કાંતિ મડિયા સાહેબની એક વાત યાદ કરતા જીતેન્દ્રભાઈ એ જણાવ્યું કે મડિયા સાહેબે એકવાર કહ્યું હતું કે  કલાકાર કરોડપતિનો અભિનય કરતો હોય તો એણે કરોડપતિ દેખાવું પડે  એ વાત મેં આજ સુધી ધ્યાનમાં રાખી છે. અને અમદાવાદમાં મેં નિર્માણ કરેલા નાટકમાં ખર્ચો પણ કર્યો છે. બીજી ખાસ વાત જણાવી કે આજના સમયમાં લોકો મુંબઈનાં નાટકો અને અમદાવાદના નાટકો આવું લોકો કહેતા હોય છે. પણ નાટક એ માત્ર નાટક હોય છે.

એમાં કોઈ મુંબઈ, ગુજરાત, અમદાવાદ, સુરત એવી છાપ નથી હોતી. આજે અમદાવાદનો કલાકાર મુંબઈ જાય છે તો એને ત્યાંના કલાકાર મિત્રો અને નિર્માતાઓ તરફથી ખૂબ માન સન્માન મળે છે અને મુંબઈથી અમદાવાદ આવનાર  કલાકારોને પણ અહિયાં હથેળીમાં રાખવામાં આવે છે. વિષય પ્રમાણે સરકારી યોજના વિશે વાત કરતાં જીતેન્દ્રભાઈ જણાવ્યું કે ઘણી એવી સરકારી યોજના છે જે રંગભૂમિના નાના કલાકારોને, કસબીઓને મદદ કરે છે. અને આ કોરોના કાળમાં અમે નાના કલાકારોને ફુલ નહિ પણ ફૂલની પાંખડી આપીને પણ મદદ પહોંચાડી છે એ સિવાય પ્રમાણપત્ર બોર્ડની વાત કરતા જણાવ્યું કે કોઈપણ નિર્માતા નાટક ભજવે તે માટે નાટક ભજવવાનાં પ્રમાણપત્રની જરૂર હોય છે. હું પ્રમાણપત્ર બોર્ડના સભ્ય તરીકે હંમેશા ચોવીસ કલાક સતત કલાકાર નિર્માતાની પડખે ઉભા રહી તેમનું નાટક ન અટકે એ રીતે પ્રમાણપત્ર આપવા તત્પર રહું છું.

એ સિવાય પણ રંગભૂમિની સેવા માટે હંમેશા હું કાર્યરત હતો, છું, અને રહીશ. જીતેન્દ્ર ભાઈએ રંગભૂમિના કલાકાર કસબીઓની એક ડીક્ષનરી પણ બનાવી છે અને ક્લાસેતુ નામનું ઓન લાઈન મેગેઝીન પણ ચલાવે છે.

આજે જાણીતી અભિનેત્રી ડો. અમી ત્રિવેદી વોરા

‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે 6 વાગે  કોકોનટ થિયેટર અને અબતકના ફેસબુક પેઈજ ઉપર ટીવી ધારાવાહિક ગુજરાતી-હિન્દી ફિલ્મો અને નાટકોની જાણીતી અભિનેત્રી ડો. અમી ત્રિવેદી વોરા લાઈવ આવીને શિક્ષણ અને એકટીંગ  વિષયક વાતો વિચારો અને પોતાના અનુભવો દર્શકો સાથે શેર કરશે. વર્ષોથી નાટક દુનિયામાં અમીતબેનનું નામ શિરમોર છે. ઘણા નાટકો માત્ર તેના શ્રેષ્ઠ અભિનય વડેજ સુપર-ડુપર હિટ થયા છે. રંગભૂમી અને કલાક્ષેત્રે તેમના ઉંડા અભ્યાસના માર્ગદર્શન તળે હજારો યુવા કલાકારો આગળ આવ્યા છે. પારિવારીક નાટકોમાં તેમનો અભિનય  ચાર ચાંદ લગાવી દેતો હતો. તેમના ‘ર્માં’ના પાત્ર વાળા ઘણા નાટકોના અભિનયે નાટ્ય રસિકોની આંખો ભીની થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.