ગુરૂદેવ રાજેશમુની સુખસાતા પૃચ્છા કરતા મુખ્યમંત્રી રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલ સંપ્રદાયના ગુરૂદેવ રાજેશમુનિ મહારાજના દર્શન, વંદન કરી માસ ક્ષમણ તપની સાતા પુછી હતી. તેમના હસ્તે મોક્ષનું પ્રથમ સોપાન ‘સાચી શ્રધ્ધા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી સ્વામીના પરિવારના ગુરુદેવ સ્વ.પૂ.પ્રેમચંદજી મ.સા.ના સુશિષ્ય ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના દશેન – વંદન કરવા તથા માસક્ષમણ તપની સુખસાતા પૂછવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧ના રોજ પાર્શ્ર્વનાથ ,૪ જનતા સોસાયટી ખાતે પધાર્યા હતા. સુશ્રાવક બિપીનભાઈ પટેલે શબ્દોથી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. રમેશભાઈ વિરાણી, દિલીપભાઈ સખપરા,પરેશભાઈ પટેલ,ચંદ્રકાંતભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી વગેરે અગ્રણીઓએ નમસ્કાર સૂત્રનું સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કર્યું હતું.
માસ ક્ષમણના તપસ્વી ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ફરમાવ્યું કે વિજયભાઈમાં જૈન ધમેના સુસંસ્કારોનું સિંચન થયેલું છે. દેવ, ગુરૂ અને ધમે ઉપર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. પૂજ્ય ગુરુ ભગવંતે નિત્ય દેવ, ગુરુ, ધમેને ત્રણ-ત્રણ વંદના કરવાના વિજયભાઈ તથા અંજલિબેનને પચ્ચખાણ અંગીકાર કરાવ્યા છે.
જૈનસમાજના પનોતા પુત્ર રત્ન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુરુદેવે ૩૦ ત્રીસ ઉપવાસની કઠિન તપ સાધના આજે પરિપૂણે કરી છે તેવા તપસ્વી પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ને ગુજરાતની છ કરોડની જનતા વતી વંદન સહ અભિનંદન પાઠવી સુખસાતા પુછુ છું.
ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ સંતો,મહંતો,ત્યાગી,તપસ્વીઓની ભૂમિ છે.પૂજ્ય ગુરુદેવ જેવા અનેક સંતોના તપ – ત્યાગ અને પુણ્ય પ્રતાપે ગુજરાતની જનતા સુખ,શાંતિ અને ધમેમય જીવન પસાર કરી રહ્યાં છીએ.
મુખ્યમંત્રીએ પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.આદિ સંતોના દશેન – વંદન કરી તથા તપ ધમેની શાતા પૂછી તીર્થકરોએ પ્રરૂપેલ તપ માગેની ભૂરી-ભૂરી અનુમોદના કરેલ.
સમસ્ત જૈન સમાજવતી ચંદ્રકાંતભાઈ શેઠે આભાર વિધી કરતા જણાવ્યું કે જીવદયા વિજયભાઈના રગે રગમાં છે. વિજયભાઈ અબોલ જીવોને બચાવવામાં નિમિત્ત બને છે. કરુણા અભિયાન અંતર્ગત મૂંગા જીવોને શાતા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ લઈ આવવામાં તેઓનો સિંહ ફાળો રહેલ છે. દરેક લોકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે અને સૌ શાતા પામે તે માટે તેઓના પ્રયત્ન હોય છે. તપસ્વી રત્ના બીનાબેન દીપકભાઈ મોદીએ પોતાના ભાવો વ્યક્ત કર્યા હતા.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, ગુરુદેવની ૩૦ દિવસની તપ સાધના દરમિયાન રાજકોટના વિવિધ ઉપાશ્રયેથી ગોંડલ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાયના મહાસતિઓ તપની સાતા પૂછવા પધારેલ. સમસ્ત રાજકોટ સંઘોના અગ્રણીઓ તથા જૈન વિઝન, જૈનમ ગ્રુપ, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળના બહેનો સહિત અનેક ભાવિકો પણ દશેન, વંદન કરવા તથા પૂ.ગુરુદેવના તપની શાતા પૂછવા પધારી તપ માગેની અજોડ અનુમોદના કરી હતી.
આ અવસરે રાજકોટ જૈન સમાજના અગ્રણી રમેશભાઈ વિરાણી,દિલીપભાઈ સખપરા,ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન બિપીનભાઈ પટેલે કર્યું હતું. તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું હતું.