- હવે મતગણતરી માટે તૈયારીઓનો ધમધમાટ
- ઓબ્ઝર્વરની હાજરીમાં સંભવત: 31મીએ બીજું અને તા.4એ વહેલી સવારે ત્રીજું રેન્ડમાઇઝેશન હાથ ધરાશે
રાજકોટ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ ગયા બાદ હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓ માટે ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મતગણતરીના સ્ટાફ માટે ત્રણ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. જેનું હાલ આયોજન થઈ રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ગત તા.7 મેના રોજ મતદાન યોજાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછાર અને અધિક કલેકટર ચેતન ગાંધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં એકંદરે સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરીની તૈયારીમાં કામે લાગી ગયું છે.
મતગણતરી માટે સાતેય વિધાનસભા વિસ્તારમાંથી લેવામાં આવશે. આવતા અઠવાડિયામાં મતગણતરીના સ્ટાફનું પ્રથમ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. જેમાં 120 ટકા સ્ટાફ લેવામાં આવશે. બીજું રેન્ડમાઇઝેશન ઓબ્ઝર્વરની હાજરીમાં સંભવત: 31મીએ યોજવામાં આવશે. બીજું રેન્ડમાઇઝેશન મત ગણતરીની 48 કલાક પહેલા કરવામાં આવે છે. જેમાં સ્ટાફને વિધાનસભા ફાળવવામાં આવશે. ત્રીજું રેન્ડમાઇઝેશન તા.4ના મતગણતરીના દિવસે જ સવારે 5 વાગ્યે ઓબ્ઝર્વરની હાજરીમાં થશે. ત્યારે સ્ટાફને કાઉન્ટિંગ ટેબલ ફાળવવામાં આવશે.
દરેક વિધાનસભામાં મદદનીશ ચૂંટણી અધિકારી ટીમને લીડ કરશે. આનુસંગિક કામગીરી જેમ કે કોમ્યુટર, ડેટા એન્ટ્રી, સહિત્ય- મશીન ફાળવણી, સિલીંગ વગેરેનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવશે.