જય વિરાણી, કેશોદ
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પાંચેક મહિના અગાઉ યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે મતદારોને રાજી કરવા યુધ્ધના ધોરણે રોડ રસ્તાનાં કામો શરૂ કરી પુરાં કરી નાખ્યાં હતાં અને લોકોનો વિશ્વાસ જીતીને મત મેળવ્યા હતા. ત્યારે પ્રથમ વરસાદે જ રસ્તાઓ ઠેર-ઠેર બેસી જવાનાં તુટી જવાનાં બનાવો સામે આવ્યા છે. તંત્રની આ ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા ખુલ્લી પડી ગઈ છે.
કેશોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ કામ રાખનાર એજન્સી સાથે કરેલાં કરારમાં ત્રણ વર્ષની ગેરન્ટી પીરીયડ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે ગેરન્ટી પીરીયડમાં રસ્તાઓ તૂટી ગયા અને બેસી ગયા. આ રસ્તાઓ જે તૂટી ગયા છે તે રોડ રસ્તાનું કામ રાખનાર એજન્સી પાસે ફરીથી કરાવવામાં આવશે કે કાયદેસરની બ્લેક લિસ્ટ કરવામાં આવશે ખરાં !!
પાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નં 4 માં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાસેનાં રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના હોદેદારો સાથે ચીફ ઓફિસરને રોડ રસ્તા રીપેર કરાવવા મુદે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. સત્તાધિશો દ્વારા પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આ પ્રશ્ન ઉકેલવામાં આવે છે તેવી સ્થાનિકો અને AAPના કાર્યકર્તાઓની માંગ છે. તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે આગળના દિવસોમાં જાણ થશે.