કોરોના સામે આરોગ્યકર્મીઓને રક્ષણ આપતાં ઈક્વિપમેન્ટને ‘કવચ’ નામ અપાયું
એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફને કિટ અપાશે
વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક કેસ ધ્યાને લેતા અનેક જગ્યાઓ પર પીપીઈ કીટની અછત વર્તાઈ રહી છે. ત્યારે જામનગરની જી.જી હોસ્પીટલ ૭૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત હોય ડોક્ટર અને અન્ય પેરામેડિકલ સ્ટાફ માટે આશરે ૨૦૦૦ જેટલી પીપીઈ કીટની આવશ્યકતા હોય છે. હાલમાં જી.જી.હોસ્પિટલ ખાતે પર્યાપ્ત માત્રામાં પીપીઈ છે પરંતુ આવનારા દિવસોમાં જો આ મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તો પીપીઈ કીટની અછતને નિવારી શકાય અને સતત ચાલતી ફ્લુ ઓપીડીમાં કોવિડના શંકાસ્પદ કેસ હોવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે પીપીઈ કીટની અછત નિવારવા જી.જી.હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટસ ડિઝાઇન કરી બનાવવામાં આવ્યા છે.
આ કિટને “કવચ” નામ આપવામાં આવ્યું છે, કવચ સેટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ બનાવવામાં આવી છે. જેમાં આખા શરીર માટેનું હુડ સાથેનું સુટ, ગોઠણ સુધી લાંબા શૂ-કવર અને ચહેરા માટે ફેસ શિલ્ડ. આ સંપૂર્ણ સેટ નોનવોવન સ્પન બાઉન્ડ ૭૦+૨૦ જી.એસ.એમ. મટીરીયલ દ્વારા લેમિનેટેડ થયેલ છે. આ મટીરીયલને SITRA(સાઉથ ઇન્ડિયન ટેક્સટાઇલ રિસર્ચ એસોસિયેશન) દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે.
કવચના બે પ્રકારના સેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.(૧) કવચ પ્લસ(૨) કવચ એન એક્સકવચ પ્લસમાં આખા શરીર માટેનું હુડ સાથેનું સુટ, ગોઠણ સુધીના શૂ-કવર, ફેસશિલ્ડ અને ત્રીપલ લેયર માસ્કનો સમાવેશ થાય છે.જેની કિંમત આશરે ૫૫૦થી વધુની છે.
જ્યારે કવચ એન એક્સમાં આખા શરીર માટેનું હુડ સાથેનું સુટ, ગોઠણ સુધીના શૂ-કવર, ફેસશિલ્ડ અને એન-૯૫ માસ્ક અને બે જોડી સ્ટરિલાઈઝ થયેલ ગ્લવ્ઝનો સમાવેશ થાય છે, જેની કિંમત આશરે ૮૫૦થી વધુની છે.
કવચ કોવિડ બીમારી સામે કાર્યરત ડોક્ટરો માટે બનાવવામાં આવ્યું છે જેમાં સુરક્ષાના તમામ જરૂરી સ્તરોનું ધ્યાન રાખવામાં આવેલ છે. પહેરવા અને કાઢવામાં સરળ સાથે જ આ સંપૂર્ણ શરીર અને આંખને ઢાંકે છે. કવચમાં વાપરવામાં આવેલ મટીરીયલ કૃત્રિમ રક્ત પ્રવેશ માટે ચકાસવામાં આવેલ છે.
જી.જી.હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરીને સહકાર આપવા હાલ અનેક દાતા સંસ્થાઓ આ કીટ માટે અનુદાન આપવા આગળ આવી છે. આ કીટ નહિ નફો નહિ નુકશાનથી બનાવવામાં આવી રહી છે. થોડા દિવસોમાં હોસ્પિટલ ખાતે આ કીટ તૈયાર થઈ આવી જશે. હોસ્પિટલ દ્વારા આગામી દિવસોમાં એમ્બ્યુલન્સ સ્ટાફ અને પોલીસના સ્ટાફને પણ આ કીટ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.