“સારા કાર્યની પ્રશંસા અને ખરાબ કાર્યની નિંદા ત્વરીત થાય તો સમાનમાં લોકો નીતિમત્તા અને સામાજીક મુલ્યોનો અમલ કરે
ફરી પંચાળ ભૂમી-૨
ફોજદાર જયદેવ આજે સાંજે જ બાબરા પોલીસ સ્ટેશનમાં બદલાઈને આવી હાજર થઈ ચાર્જ સંભાળી હાઈવે નાઈટ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ઢસા ચાવંડ થઈ રાત્રીનાં સાડા બાર એક વાગ્યે બાબરા ખાતે ખંભાળા ત્રણ રસ્તે એક હોટલ ખૂલ્લી હોય રોડ ઉપર આડેધડ વાહનો પડયા હોય તે વ્યવસ્થિત કરાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જીપ ઉભા રખાવતા હોટલના કાઉન્ટર ઉપર તેના માલીક સાથે ત્રણ ઈસમો વાતચીત કરી રહ્યા હતા.
જયદેવે એક કોન્સ્ટેબલને હોટલ માલીકને બોલાવવાનું કહેતા જ જીપના ડ્રાઈવર રઘુ યાદવે ફોજદારને કહ્યું કે આ લોકો પ્રસ્થાપિત દાદા હોય અત્યારે જવા દેવાનું કહેતા અને જયદેવ કાયદાપાલનનો ચુસ્ત આગ્રહી હોય બાંધછોડ કરવાની ના કહી.
જીપમાં આ ચર્ચા ચાલતી હતી ત્યાં થડા-દુકાનનો થડો, થડા પાસે ઉભેલા ત્રણ પૈકી એક જણ જીપ તરફ આવ્યો અને જયદેવને કહ્યું સાહેબ આતો હાઈવે છે. એટલે હોટલ ખૂલ્લી રાખી છે. જયદેવને મનમાં થયુંકે દુકાન વાળાને બદલે આને વધુ રસ લાગે છે. આજ દોઢ ડાહ્યો લાગે છે.
કેમકે કાઉન્ટર ઉપરનો તેનો માલીક તો આવ્યો નહી આથી જયદેવે આવેલ વ્યકિતને પૂછયું હોટલ તમારી છે? આથી તેણે ના પાડી અને કહ્યું કે આતો મિત્ર છે એટલે ભલામણ કરૂ છું. જયદેવે તેને કહ્યું ‘ગેરકાયદેસર બાબતની ભલામણ કરનાર તમે કોણ છો?’ આથી તેણે કહ્યુંં ‘અહી બાબરામાં તો આવું જચાલે તમારે નામનું શું કામ છે?’જયદેવે જીપમાં બેઠાબેઠા કચકચાવીને ઉભામોરની એક ઝાપટ ખેંચી લીધી.
આથી થડેથી બીજી એક વ્યકિત જીપ તરફ દોડી એટલે તુરત જ જયદેવ જીપમાથી નીચે ઉતરી ગયો આથી હોટલમાં અફડાતફડી મચી અને નાસભાગ થઈ ગઈ ! થડા ઉપર હોટલ માલીક પાસે ઉભેલી છ ફૂટ ઉંચાઈ વાળી વ્યકિતએ હોટલની પાછળની બારીમાંથી ઠેકડો માર્યો પરંતુ પાછળના ભાગે બારી કાળુભાર નદીમાં પડતી હતી .
જેનો પટ બારીથી દસ પંદર ફૂટ ઉંડાઈએ આવેલો હતો. સદનસીબે તેને ખાસ કાંઈ ઈજા થઈ નહી પરંતુ પાછળથી જાણવા મળેલુ કે તે તો મોટો ડોન હતો અને તે રાતોરાત જે અમુક પોલીસ અધિકારીઓને જયદેવની નિમણુંક બાબરા પોલીસ સ્ટેશનમાં થઈ તેનો ખ્યાલ ન હતો.
તેને આ નાસેલ ડોને મધ્યરાત્રીના જ અમરેલી દોડી જઈને આ માઠા સમચાર આપ્યા ! રાત્રે જ આ અધિકારીનો પી.એસ.ઓ. ઉપર ફોન આવ્યો કે શું કોઈ નવા ફોજદાર હાજર થયા છે? કયાંથી આવ્યા છે? વિગેરે પાછળથી એ પણ જાણવા મળેલું કે આ ડોનની ધંધાકીય સાંઠ ગાંઠ આ અધિકારીએજ અમદાવાદના ડોન લતીફ સાથે કરાવેલી !
આ નાસભાગ થતા જયદેવ પરિસ્થિતિને જાણી ગયો અને બીજા જવાનોની મદદથી આ બે વ્યકિતને પકડી લીધા. આ કાર્યવાહીમાં ડ્રાઈવર રઘુ યાદવ હોંશે હોંશે મદદ કરી રહ્યો હતો ! હોટલ ખાલીખમ્મ પડી હતી. ચા ઉકળીને સગડીમા ઢોળાઈ રહી હતી ! જયદેવે આ પકડેલા બંને ઈસમો વિરુધ્ધ ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરી લોકઅપ ભેગા કર્યા.
આ બાજુ નાસેલા લોકોએ બાબરા ગામમાં જઈ પ્રસ્થાપિત દાદાઓની સર્વપ્રથમ જ થયેલી સરભરાના સમાચાર લાકડીયા તારની માફક ફેલાવી દીધા. આથી બાબરાની શાંતીપ્રિય જનતામાં હવે શું થશે તેની ઉત્કંઠા હતી તો બાબરા પોલીસ દળમાં હવે શું? તેનો અજંપો હતો.
મોડીરાત્રે જયદેવ વિશ્રામગૃહમાં જઈને સુઈ ગયો સવારના નવ વાગ્યે સુતો હતો ત્યાં પટ્ટાવાળા વલ્લભે રૂમ ખખ્ડાવ્યો અને જયદેવને કહ્યું કે ગામના અમુક અગ્રણીઓ આપને મળવા આવ્યા છે. જયદેવે બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ આગેવાનોને બોલાવ્યા.
એક આગેવાને જયદેવને જય માતાજી કહી વાત ચાલુ કરી કે સાહેબ આપની નિમણુંક અત્રે થઈ તેની કોઈને ખબર જ નહતી. અમો તમામ લોકો આપની નિમણુંકથી ખૂશ થયા છીએ, પરંતુ આ બે યુવાનોને આપની કાંઈ ખબર ન હતી તેથી ભૂલ થઈ છે તો હવે કાંઈક બાંધછોડ કરો તો સાથ જયદેવે કહ્યું ભલે હવે જે થશે તે કાયદેસર જ થશે બંને આરોપીઓ ને અગીયાર વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યાંથી જામીન ઉપર છોડાવી લેજો.
દૈનિક ક્રિયા પતાવીને જયદેવ પોલીસ સ્ટેશનમાં આવ્યો અને હજુ ચેમ્બરમાં ખુરશીમાં બેઠો ત્યાં જ એક ઘાઘસ જમાદાર ચેમ્બરમાં આવી જયદેવને સલામ કરીને મળ્યા તથા વીનમ્રભાવે કહ્યું કે સાહેબ આપ નવા છોતેથી ડ્રાઈવર રઘુ યાદવે તેનો લાભ લઈ લીધો ! આથી જયદેવને નવાઈ લાગી અને તેને જ પુછયું ‘શું થયું?’આથીજમાદારે કહ્યું ‘સાહેબ આ ડ્રાઈવર રઘુ યાદવને આ પકડાયેલા આરોપીઓ સાથે અગાઉના સમયનો વાંધો અને મનદુ:ખ હતુ.
તેનો બદલો આપના વડે લઈ લીધો ! ‘જયદેવે પૂછયું કેવીરીતે ? આથી જમાદારે કહ્યું કે ’ અગાઉના વર્ષે પેટ્રોલ ડીઝલની ખૂબ તંગી હતી અને બહુ ઓછા જથ્થામાં મળતા તેથી વાહનોની લાંબી લાઈનો પેટ્રોલ પંપો ઉપર લાગતી ત્યારે રઘુ યાદવ પોલીસ જીપ સાથે પેટ્રોલ પંપ ઉપર બંદોબસ્તમાં ગયલે ત્યાં આ આરોપીઓએ ઘુંસણખોરી કરતા રઘુ યાદવે તેને અટકાવતા આ લોકો સાથે ઘર્ષણ થયેલું અને ડખ્ખો મોટો થયેલો રઘુ સાથે બદસલુકી પણ થયેલી.
રઘુ યાદવ નેતો તેજ સમયે કાયદેસરની કાર્યવાહી કરી બદલો લેવો હતો. પરંતુ જેતે વખતના અધિકારીએ વાતને આળીટોળી નાખેલી. આથી રઘુ યાદવને ખૂબજ અપમાન અને દુ:ખ લાગેલુ રઘુ ત્યારે જ આ લોકો વીરૂધ્ધ ફરિયાદ લખાવવા માંગતો હતો.
પરંતુ અધિકારીઓએ ખોટી બબાલમાં નહી પડવા ધરાહાર મનાવી લીધેલો છતા રઘુને મનમાં ડંખ તો રહી જ ગયેલો જે તેણે હવે તમારા હાથે વ્યાજ સહિત દાવ વસુલી લીધો! આથી જયદેવે કહ્યું તો આમાં ખોટુ શું થયું ? કાયદેસરની કાર્યવાહી તો કરવી જ જોઈએ કેમકે જો સમાજમાં પોલીસનું મોરલ ઉંચુ હોય તોજ આમ સમાજ અને જનતા પણ શાંતીથી અને મગરીથી જીવી શકે; અને જો પોલીસનું મોરલ નીચુ અને ગુનેગારોનું મોરલ ઉંચુ હોય તો જનતા દબાતી અને ડરતી (આવા અસામાજીક તત્વોથી) જ જીવે એવો વણલખ્યો નિયમ છે.
તમે તો અનુભવી છો તો ખ્યાલ જ હશે કે સમાજમાં ત્રણ જ દાદા હોવા જોઈએ તેવું લોક ચર્ચામા છે કે ગણપતી દાદા, હનુમાનદાદા અને પોલીસદાદા ! સમાજમાંના ગુંડાદાદાઓ લોકોને શાંતીથી જીવવા જ ન દે, જયારે પોલીસે પણ શાંતી પ્રિય જનતા સાથે દાદાગીરી નહી કરતા સમાજના આવા અસામાજીક તત્વો તેમજ છુપાગુનેગારો કે જે રાજકારણીનું મહો પહેરીને દાદાગીરી કરતા આવા ગુંડા દાદાઓ સાથે જ દાદાગીરી કરવી જોઈએ તો જ સમાજમાં શાંતી અને સલામતી રહે જયદેવે આમ વાત કરતા આ ઘાઘાસ જમાદાર સાવધાન થઈ પાછા ચાલ્યા ગયા.
થોડીવાર પછી એક વ્યકિત મળવા આવી જે પીઢ ઉંમર, લેંઘો ઝભ્ભો પહેરેલો અને કપાળમાં મોટો ગોળ લાલ ચાંદલો કરેલો હતો તેઓ સમાચાર પત્રોના ખબર પત્રી અને ગામના સામાજીક કાર્યકર હતા. તેઓ ગુલાબના ફુલોનો ગુલદસ્તો લઈને જયદેવને મળવા આવ્યા હતા.
ફૂલો સાથે અભીનંદન આપીને જયદેવને કહ્યું કે તમારા જેવા જ તમામ પોલીસ અધિકારીઓ હોવા જોઈએ, આઝાદી પછી બાબરામાં આવું કામ તમે પ્રથમ વખત જ કરેલું છે (સજાની જગ્યાએ ‘એવાની જ નિમણુંક થતી હોય ને?) આ રીતે પોલીસ દળ કામ કરે તો સમાજ શાંતીથી જીવી શકે.
આ પત્રકાર ગયા પછી પેલા જમાદાર પાછા જયદેવને ચેમ્બરમાં મળ્યા અને કહ્યું સાહેબ આમ તો આપશ્રીને સલાહ અપાય નહી પણ રહેવાયું નહી તેથી સાચુ કહી દઉ છું કે આ પત્રકાર પોલીસ વિરોધી માનસ ધરાવે છે વળી રાત્રે તમે પકડેલા આરોપીઓએ જ વર્ષો પહેલા આ મહાશયના હાથપગ ભાંગી નાખ્યા હતા.
તેથી તેઓ તેમને વધારે ઉશ્કેરવા જ આવ્યા હતા બાકી કયારેય પોલીસ સ્ટેશને આવતા જ નથી’ જયદેવે કહ્યું આ પત્રકારના હાથ પગ ભાંગી નાખેલા તે વાત તો સાચી જ ને?’ જમાદારે કહ્યું ‘હા સાહેબ તે તો સાચુ જ છે ને?’ જયદેવે કહ્યું તો આ મુલાકાતમાં કઈ વાત વધુ ઉશ્કેરવાની છે? અને પછી પોલીસે વધારે કરી પણ શું નાખ્યું? “જમાદારે કહ્યું હા સાહેબ એ વાત પણ ખરી’
બપોરના બારેક વાગ્યે બાબરાના સ્ટેમ્પ વેન્ડર અને અગ્રણી ભીખુભાઈ ફોરમલ જયદેવને મળ્યા અને બાબરા નગર પંચાયતના પ્રમુખ કમ નાગરીક બેંકના ચેરમેન સાથે વાતચીત કરાવી જણાવ્યું કે આજે સાંજે નાગરીક બેંક અને નગર પંચાયત દ્વારા આપનો સન્માન સમારોહ રાખ્યો છે.
તો આપ પધારશો? આથી જયદેવે કહ્યું હજુ મારી અજમાઈશ અને પરીક્ષા બાકી છે. અગાઉથી શા માટે? તો તેમણે કહ્યું ‘સાહેબ’ પહેલો ઘા રાણા’નો જોઈ લીધો. સારા કાર્યની પ્રશંસા અને ખરાબ કાર્યની નીંદા ત્વરીત થાય તો જ સમાજમાં નીતીમતા અને સામાજીક મૂલ્યોનો લોકો અમલકરે.
આથી જયદેવે કહ્યું હું અવશ્ય હાજર રહીશ પણ બદલી થયેલા ફોજદાર રાવલ સાહેબને પણ બોલાવો તેમને હાર પહેરાવી માન આપો. તે પ્રમાણે સાંજના પાંચ વાગ્યે નાગરીક બેંકમાં ગામના આગેવાનોની હાજરીમાં પોલીસ બેડાની સારી કામગીરીની કદર રૂપે સમારોહ યોજાયો; ફૂલહાર, ચાદરો ઓઢાડાઈ, પરાણે જયદેવને પણ ! પ્રવચનો થયા ફોજદાર રાવલ તેમના આવા ભવ્ય વિદાય સમારંભ બદલ ખૂબજ ખુશ થયા ! વી.જી. રાવલે કહ્યું કે આટલું બધુ બહુમાન અનઅપેક્ષીત છે!
બીજી બાજુ બાબરા ધરમશાળા સામે એક કેબીન રાખી અરજી લખવાનું કામ કરતો પવન ગોર નામનો વ્યકિત કે જે દેખાવમાં તો વનેચંદ જેવો કદરૂપો હતો પણ દેખાવનું જ પીટીશન રાયટર જેવું અરજીઓ લખવાનું કામ કરતો પરંતુ હકિકતમાં તેની ઓથે ગામડાઓની શ્રમજીવી મહિલાઓની મજબુરીનો દૂપયોગ પણ કરતો.
તેની આ કદરૂપી કામગીરીથી જનતા અને પોલીસ પણ માહિતગાર હતી આ કારણે તે સતત પોલીસના ડરના કારણે લઘુતાગ્રંથીથી પીડાતો હતો. ગઈરાત્રીના બનાવે તેની શંકામાં આગ લાગી અને ભડકો થયો. પવન ગોરને થયું કે આ આકરો ફોજદાર પોતાને પણ હડફેટે લઈ ને અંદર કરીદેશે તો? તેથી આ પ્રસંગનો લાભ લઈ અને પોલીસને ડરાવવા તથા ચિંતામાં રાખવા અને પોતાનો વટ પાડવા પોલીસે ગઈરાત્રીનાં હોટલ ઉપરની ફરજ કાવટની ફરિયાદ દાખલ કરી તે મનસ્વી અને જનતા ઉપર અત્યાચાર પ જ હોય.
તે સમયના વિરોધ પક્ષ રાષ્ટ્રવાદી પાર્ટીના અમરેલીના વિધાયક અને અન્ય નેતાઓને રાત્રે નવ વાગે બાબરા ધરમશાળામાં બોલાવી ને પેલી જૂની રેકર્ડ પોલીસ અત્યાચારની વગાડવા પાર્ટીના સદસ્યોની મીટીંગ કરી પ્રવચન પણ ઝીંકાઈ ગયા ! પરંતુ મીટીંગ પૂરી થયા બાદ અમરેલીના આ નેતાને બાબરાનાજ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી આગેવાને કહ્યું ‘આ મુદે આપણે મીટીંગ બોલાવી તે જ ખોટુ કર્યું છે? ખરેખર પોલીસે કાંઈ જ ખોટુ કર્યું નથી ! આ મીટીંગનો સંદેશો જનતામાં પક્ષની ખોટી છાપ પડશે.
આતો સાથે કર્યું પાર્ટીના સભ્યોની જ મીટીંગ હતી જે જાહેર સભા યોજી હોતતો આપણે ભુંડા લાગેત ! વળી સમગ્ર જિલ્લામાંપાર્ટીની બે ઈજજતી થતી. તે નેતાજી ને સત્ય સમજાયું અને તુરંત જ પોલીસ સ્ટેશનમાં આવી જયદેવને મળ્યા અને ખાનગીમાં કહ્યું અમે તો તમારી સાથે જ છીએ આ તો પાર્ટી લેવલે મીટીંગ કરવી પડે એટલે કરી તેનો મનમાં કાંઈ રંજ રાખતા નહી. જયદેવે કહ્યું આતો લોકશાહી છે. તમામને પોત પોતાના અભીપ્રાયો અને મંતવ્યો રજૂ કરવાનો બંધારણીય હકક છે. અને પોલીસને પણ કાયદેસર કરવાની ફરજ છે. મનમાં જયદેવને પેલી પોરબંદર સુદામા ચોકમાંની જાહેરસભા યાદ આવી ગઈ.
બીજે દિવસે જયદેવ ફરી પોરબંદર કોર્ટ મુદતે જવા રવાના થઈ ગયો. પાછળથી આ ફરજમાં કાવટના ગુન્હાની ચર્ચા અને પડઘા બાબરા અમરેલીથી લઈ છેક ગાંધીનગર સુધી પડયા બાબરા વડીયા કુંકાવાવના ધારાસભ્ય રાષ્ટ્રીય પાર્ટીના હતા. તેમનો મુકામ ગાંધીનગર ખાતે હતો. તેમને તેમના ટેકેદારોએ ટેલીફોનથી બાબરામાં નવા આવેલા ફોજદાર અને બનેલ બનાવ તથા તેના પ્રતી પડઘા રૂપ મીટીંગો તથા તાલુકામાં થયેલ ચકચારની વાત કરી.
જયદેવ પોરબંદર કોર્ટ મુદતમા હતો ત્યાં પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક કોન્સ્ટેબલે આવીને જયદેવને વર્ધી આપી કે અમરેલી પોલીસ વડાના પીએ વૈશ્નભાઈનો ટેલીફોન હતો કે તમને ગાંધીનગર ખાતે મીનીસ્ટરે બોલાવેલ હોય અમરેલી પોલીસ વડા સાથે ટેલીફોનથી વાત કરી પછી ગાંધીનગર ખાતે મંત્રીને મળવાનું છે.
બીજે દિવસે જયદેવે પ્રથમ પોલીસ વડાના પીએ વૈશ્નવભાઈ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે રાજયના મુખ્ય મંત્રીના પણ ખાસ એવા મંત્રી એ તમને નામ જોગ બ ગાંધીનગર બોલાવેલ છે. તે પછી જયદેવે પોલીસ વડા સાથે વાત કરતા પોલીસ વડાએ જયદેવને પુછયું કે ‘શું વાત છે?’ પ્રધાનશ્રીએ તમને રૂબરૂ મળવા તેડાવેલ છે? કાંઈ સંબંધ છે? ‘જયદેવે કહ્યું પોતે તો મીનીસ્ટરને કયારેય જોયા પણ નથી, હા છાપામાં નામ વાંચેલું છે’ આમ શું બાબત ગાંધીનગર બોલાવેલ છે તે તો રહસ્ય જ રહ્યું. પોલીસ વડાએ કહ્યું ભલે જઈ આવો; આવી ને પછી મને જાણ કરજો કે શું વાત હતી!’
જયદેવ પોરબંદરથી ગાંધીનગર આવ્યો. નિશ્ચીત સમયેમંત્રીની ચેમ્બરમાં પહોચ્યો મંત્રી એ જયદેવને આવકારીને પટ્ટાવાળાને કહ્યું આમને અંદરની ખાનગી ચેમ્બરમાં લઈ જાવ. જયદેવે પાછળથી જાણ્યું કે આ અંદરની ચેમ્બરને એન્ટી ચેમ્બર કહેવાય છે.
આ નાની ચેમ્બરમાં પણ એક ટેબલ બે ત્રણ ખુરશીઓ આરામ માટેની શેટી પણહતી.ટુંકમાં સંપૂર્ણ સુવિધા યુકત હતી ! જયદેવ એક ખુરશીમાં બેઠો એસી હોવા છતા પટ્ટાવાળો પંખો ચાલુ કરી ને ગયેલો, જે ઝડપે પંખો ચાલતો હતો તે ઝડપે જયદેવનું મગજ પણ ચાલતુ હતુ કેશું હશે? તેણે વિચાર્યું કે હવે પેલી પોરબંદર વાળી બાબત તો શું હોય ? પોરબંદરમા કાયદેસરની કાર્યવાહી કરી મર્ડર ડીટેકટ કરતા તેની શિક્ષા રૂપે આ સજાના અમરેલી જીલ્લામાં આવ્યો, હવે શું હોય ?
થોડીવારે લેંઘો ઝભ્ભો પહેરેલ પણ માથાનાં વાળ સીધા ચપોચપ ઓળાવેલા અને શરીર અને ગોળમટોળ ચહેરા વાળા મંત્રી એન્ટી ચેમ્બરમાં આવ્યા સાથે બીજી બે વ્યકિતઓ કે જેમણે પણ લેંધા ઝભ્ભા પરિધાન કર્યા હતા. મંત્રીએ જયદેવને ઓળખાણ કરાવી કે આ ઉંચા યુવાન છે.તે બાબરાનાં ધારાસભ્ય છે.
અને બીજા લાઠીના ધારાસભ્ય છે. મંત્રીએ જયદેવને કહ્યું કે તમને ખાસ આ બંનેની ઓળખાણ કરાવવા માટે જ બોલાવ્યા છે. આપણા માણસો છે! ત્યારે રાષ્ટ્રીય પાર્ટીમાં પાછળથી પ્રજા પક્ષના ભળેલા સભ્યો અને જૂની રાષ્ટ્રીય પાર્ટીના સભ્યો એમ થોડો (નવીના -જૂનીના માફક) ફેરફાર રહેતો. તમારો બંને સાથે અરસપરસ બરાબર પરિચય ઓળખાણ થાય તે જ કામ છે, બીજુ કાંઈ કામ નથી !
બંને વિધાયકોએ જયદેવને તેની નિમણુંક બાબરા થઈ તે બાબતે ખુશી વ્યકત કરી તમામે મળીને ચા-પાણી પીધા પછી છૂટા પડયા.
પાછા બાબરા આવતા દરમ્યાન મુસાફરીમાં જયદેવ મનમાં વિચારતો હતો કે આ ગાંધીનગરની મુલાકાત અને ઓળખાણ બાબરા લાઠી કે અમરેલી પણ થઈ શકી હોત; આ બે ત્રણ દિવસ (જનતાની સેવાના)નો વ્યય અને બીન જરૂરી મુસાફરીની શું જરૂરત હતી? પરંતુ હાલ આ રાજકીય માહોલમાં આવું કોણ જુએ છે?