અબતક, રાજકોટ
છોટીકાસી જામનગરે વૈશ્ર્વિક ફલક પર ગુજરાત અને દેશનું નામ રોશનકરનારા ક્રિકેટરો, કલાકારો, કવિઓ, દાતારો, શુરવીરો, ભકતોનું આદ્યાત્મીક, વ્યવહારીક અને ઉદ્યોગોનું શહેર છે. શહેરના મુગટ પર વધુ એક પીછું ઉમેરાયું હોય તેમ શહેરની માત્ર 1રમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સમગ્ર રાજયનું પ્રથમ ઇન્ટરેકિટવ પિરિઓડિક ટેબલ ડીઝાઇન કરી સમગ્ર રાજયમાં રેકોર્ડ સ્થાપ્યો છે.
રૂપિયા બે લાખના ખર્ચે બનાવવામાં આવેલ ટેબલનું એક બટન
દબાવતા જ 118 તત્વોનો ઇતિહાસ અને ઉપયોગ જોવા મળશે
જુના જામનગર શહેરની ભાગોળે આવેલ શરૂ સેકશન માર્ગ પર રહેતી અને ધોરણ 1રમાં અભ્યાસ કરતી ફલક વિનોદભાઇ પાબારીએ રૂ. બે લાખના ખર્ચે વડોદરાના બે એન્જી. સાથે મળીને સમગ્ર ગુજરાત રાજયનું નામ રોશન કરતું પ્રથમ ઇન્ટરેકિટવ પિરિઓડિક ટેબલ બનાવ્યું છે.
રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓને રસ પડે અને સર્જનાત્મક દ્રષ્ટિકોણ ખીલે તેવા હેતુથી બનાવવાનો આવેલ આ ટેબલમાં રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરવામાં આવેલા 118 તત્વોને ખુબ સારી રીતે રજુ કરવામાં આવ્યા છે. તેમ તેણીએ ઉમેર્યુ હતું.આ ઉપરાંત રોજબરોજના જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓમાં આ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે જેના નમુના પણ રાખવામાં આવ્યા છે જેમાં માત્ર એક બટન દબાવતા જ તેમા દર્શાવવામાં આવેલ તમામ તત્વોને ઇતિહાસ અને તેના ઉપયોગો જોવા મળે છે. જેથી રાસાયણિક વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખુબ ઉપયોગી નિવડશે તેવી આશા વ્યકત કરી હતી.