સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અંગેના એમઓયુથી રાજ્યમાં આઇટી ક્ષેત્રે 2,000 જેટલી રોજગારીનું થશે સર્જન
અબતક, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા આઇટી અને આઇટીએસ ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે ડગલાં માંડયા છે. જેના અંતર્ગત સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અંગેના કરારથી રાજ્યમાં આઈટી ક્ષેત્રે 2000 જેટલી રોજગારીનું પણ સર્જન થશે.
તાજેતરમાં રાજ્ય સરકારે આઇટી અને આઇટીએસ સેક્ટરના વિકાસ માટે તાજેતરમાં નવી આઇટી પોલિસીની જાહેરાત કરી હતી. ત્યારે આ પોલીસીની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક કરાર સંપન્ન થયા છે.સાયન્સ ટેક્નોલોજીના નાયબ નિયામક અને કયુએક્સ ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઇટી સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક આઇટી પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક કરારને આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી આઇટી પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રીએ કયુએક્સ ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે.