શાળા કક્ષાએ પરીક્ષા યોજવા શિક્ષણ વિભાગનું આયોજન: ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં શાળાઓમાં જૂન ૨૦૨૦થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું ન હોતું. ત્યારે હોમલર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આવેલો હતો. ત્યારે હવે રાજ્યમાં શાળાઓની શરૂઆતની સાથે-સાથે શિક્ષણ વિભાગે પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું છે. ધોરણ ૯થી ૧૨માં શાળા કક્ષાએ પરીક્ષા યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરાયું છે. હવે ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૧૯ માર્ચથી ૨૭ માર્ચ દરમિયાન લેવામાં આવશે જ્યારે ધો. ૯ અને ૧૧ની પરિક્ષા ૭ જૂનથી શરૂ થશે અને ૯ દિવસ ચાલશે.
સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ ધોરણ ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા તેમજ ધોરણ ૯થી ૧૧ની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અનુક્રમે ધોરણ ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯ માર્ચથી ૨૭ માર્ચ દરમિયાન અને ધોરણ ૯થી ૧૧ની વાર્ષિક પરીક્ષા ૭ જૂનથી ૧૫ જૂન સુધી યોજાશે. નોંધનીય છે કે, જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે તે મુજબ જ સ્કૂલો દ્વારા પ્રશ્ન પત્ર તૈયાર કરાશે. ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ ૭૦ % અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.
અત્રે નોંધનીય છે કે, ૧લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ-૯ અને ૧૧ના વર્ગ શરૂ થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્કૂલો દ્વારા ગાઇડલાઇનનું પાલન કરી વર્ગો શરૂ કરાયા છે. કોરોના મહામારીમાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને પણ ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. ધોરણ-૯ના અંદાજે ૯થી ૧૦ લાખ અને ધોરણ ૧૧ના અંદાજે ૬ લાખ જેટલાં વિદ્યાર્થીઓ છે. તમામ સ્કૂલો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.