ઝાકળ વર્ષાના કારણે વિઝિબિલિટી માત્ર 1200 મીટર, દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટ અડધી કલાક મોડી પડી કાલે પણ ધુમ્મસ રહેશે: ઠંડીમાં હવે ક્રમશ: વધારો થશે: હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકી: આહલાદક વાતાવરણ
અબતક-રાજકોટ
શિયાળાની સિઝન ધીમે-ધીમે જમાવટ લઇ રહી છે. આજે સિઝનની પ્રથમ ઝાકળવર્ષા થતા વાતાવરણ ભારે આહલાદક બની ગયું હતું. વિઝિબિલિટીમાં જોરદાર ઘટાડો થવાના કારણે દિલ્હીથી રાજકોટ આવતી સવારની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા અડધો કલાક મોડી આવી હતી. હાઇવે પર વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વાહનની હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આગામી દિવસોમાં ઠંડીનું જોર ક્રમશ: વધશે. આવતીકાલે પણ ધુમ્મસ રહેશે.
આજે શિયાળાની સિઝનની પ્રથમ ઝાકળ વર્ષા થવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલીટી માત્ર 1200 મીટર થઇ જવા પામી હતી. એટલે કે 1200 મીટર દૂરની ચીજવસ્તુ નરી આંખે નીહાળવામાં તકલીફ ઉભી થતી હતી. ઝાકળવર્ષાના કારણે વિઝિબિલિટી માં ઘટાડો નોંધાતા વહેલી સવારે દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 30 થી 40 મીનીટ મોડી આવતા મુસાફરોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો. હાઇવે પર વાહન ચાલકોએ પણ પરેશાની વેઠવી પડી હતી. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જો કે સવારે 8:30 કલાકે વાતાવરણ ક્લિયર થઇ જવા પામ્યુ હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 20.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. વિઝિબિલિટી માત્ર 1200 મીટર રહેવા પામી હતી. આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ-કાશ્મિર સહિત ઉત્તરના રાજ્યોમાં બરફ વર્ષા થયા બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી નીચો પટકાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.આજે શિયાળાની સિઝનમાં પ્રથમવાર ઝાકળ વર્ષા થવાના કારણે વાતાવરણ ભારે આહલાદક બની ગયુ હતું. સવારે હિલ સ્ટેશન જેવું માહોલ જોવા મળતું હતું. આવતીકાલે ઝાકળ વર્ષા થવાની સંભાવના છે. દિલ્હી થી રાજકોટ આવતી ફ્લાઇટ મોડી પડતા મુસાફરોએ ભારે હાલકી વેઠવી પડી હતી.
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં માવઠાનો માર: બે ઈંચ સુધી કમૌસમી વરસાદ
ખાંભાના લાસામાં બે ઈંચ: સાવરકુંડલાના બીજપડીમાં પણ માવઠું: ખેડુતોને ભારે નુકશાન
શિયાળાના આરંભે પણ જગતાતને માવઠાનો માર પડી રહ્યો છે. ગઈકાલે સાંજે અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં બે ઈંચ સુધી કમૌસમી વરસાદ વરસી જતા ખેડુતોએ પારાવાર નુકશાન વેઠવી હતી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસામાં બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત સાવરકુંડલા પંથકમાં વીજપડી ગામે પણ અનરાધાર વરસાદ પડવાના કારણે ઘઉં, મગફળી, કપાસ, સહિતના પાકને પારાવાર નુકશાની થવા પામી છે. આજે પણ અમૂક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 10 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં અઢી ઈંચ, તાપીનાં વ્યારામાં બે ઈંચ, ડાંગમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત પલાસણા, વાસેદા, વાપી, વધાઈ, ધરમપૂર, બારડોલી અને ગીર ગઢડામાં વરસાદ પડયો હતો.