વિશ્ર્વના તબીબો કોરોના દર્દીને બચાવા ઝઝૂમી રહ્યા છે, રાજકોટના તબીબોની મહેનત રંગ લાવી

રાજ્યમાં ૧૪૪ કેસ પોઝિટિવ: ૬૦ ટકા કેસ લોકલ ટ્રાન્સમિશનના નોંધાયા: ૧૧નાં મોત: રાજ્યના ૧૫ જિલ્લાઓમાં કોરોનાનો પગ પેસારો: જામનગર, મોરબી અને છોટા ઉદયપુરમાં પ્રથમ કેસ નોંધાયા

વિશ્વભરમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની મેહનત રંગ લાવી છે. રાજ્યમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવેલા જંગલેશ્વરના યુવાનને નેગેટિવ આવ્યા બાદ જાગનાથ વિસ્તારમાં રહેતા માતા – પુત્ર ને પણ નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો થયો છે. રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે પણ કોરોનાનો એકપણ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો. પરંતુ જામનગરમાં ૧૪ માસના બાળકનો અને મોરબીના શંકાસ્પદ આધેડને રાજકોટ સારવારમાં ખસેડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં છોટા ઉદયપુરમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાએ ૧૫ જિલ્લાઓમાં પગ પેસારો કર્યો છે. રાજ્યમાં નોંધાયેલા ૧૪૪ પોઝિટિવ કેસ માથી ૬૦ ટકા કેસ લોકલ ટ્રાન્સમિશન થી નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ૮ પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા તેમને આજ રોજ રજા આપવાની વિચારસરણી ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં કોરોનાએ કુલ ૧૧ લોકોનો ભોગ લીધો છે.

દુનિયાભરના તબીબો દ્વારા એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ઝઝૂમી રહ્યા છે. લાખો પ્રયાસો છતાં કોરોનામાં વધતા જતા કેસ પર અંકુશ રાખવામાં અસફળ સાબિત થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબોની મેહનત રંગ લાવી છે. રાજકોટમાં પ્રથમ પોઝિટિવ કેસ યુવાનને હજુ ૩ દિવસ પહેલા રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ જાગનાથ વિસ્તારમાં માતા – પુત્રને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યા બાદ તેઓને આઇશોલેસન માં સારવાર આપવામાં આવી હતી. જેમના ગઈ કાલે રિપોર્ટ કરાવતા કોરોના નેગેટિવ આવતા બન્નેને રજા આપવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં સતત છઠ્ઠા દિવસે પણ એકપણ સીટી પોઝિટિવ કેસ નોંધાયા નથી. ગઈ કાલે કુલ લેવાયેલા ૨૫ સેમ્પલમાંથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ રાજકોટ સીટી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. હાલ કુલ ૮ પોઝિટિવ દર્દીઓને આઇશોલેસન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આજરોજ વધુ ૬ પુરુષ અને ૪ મહિલાઓ સહિત ૧૦ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં જ્યારે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ ૧૪૪ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંના ૬૦ ટકા દર્દીઓને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ૬૦ને પાર પહોંચી છે. અને અત્યાર સુધી રાજ્યમાં ૧૧ દર્દીઓના મોત નિપજ્યા છે જેમાંના ૭ દર્દીઓના લોકલ ચેપથી મોત નિપજયાનું જાણવા મળ્યું છે.

ગઈ કાલે રાજ્યમાં વધુ ૩ જિલ્લાઓમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વાયરસ ૧૫ જિલ્લાઓ સુધી પહોંચી ગયો છે. જામનગરમાં શ્રમિક પરિવારના ૧૪ માસના બાળકને કોરોનાના લક્ષણ દેખાતા સેમ્પલ મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારોમાં રહેતા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડી સેમ્પલ લેબોરેટરી કબાટ મોકલવામાં આવતા તેમના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને છોટા ઉદયપુરમાં પણ એક કેસ પોઝિટિવ આવતા હાલ રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે.

રાજકોટમાં માતા પુત્રએ કોરોનાને દીધી હાથતાળી

IMG 20200406 WA0009

શહેરના જાગનાથ વિસ્તારમાં રહેતા માતા-પુત્રને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. વોર્ડના તબીબોની પારિવારિક લાગણી માતા પુત્રની હિંમત અને લોકોની દુઆએ રંગ રાખતા માતા પુત્રએ કોરોનાને હાથતાળી આપવામાં સફળ રહ્યા હતા. બન્નેને રજા આપતી વેળાએ આઇશોલેસનના તબીબો સહિત અન્ય સ્ટાફ દ્વારા તાળીઓથી વધાવ્યા હતા અને વૃદ્ધાએ પણ ઘર કરતા અહીંયા વધુ પારિવારિક માહોલ લાગતો હોવાનું જણાવતા રડી પડ્યા હતા. તબીબોએ કોરોના સામે વધુ એક જંગ જીતી હતી. સિવિલ હોસ્પિટલમાં રહેલા ત્રણેય દર્દીઓને ચુસ્ત અને તાજામાજા કરી રજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.