હજુ તો ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ એટલે કે લવ જેહાદના કાયદાને ત્રણ દિવસ થયા છે ત્યાં રાજ્યનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે. અહીં ગોત્રી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવકે નામ બદલી યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યા બાદ નિકાહ કર્યા હતા એટલું જ નહીં જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી શખ્સની ધરપકડ કરી હતી.

સમગ્ર બાબતે વડોદરા ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. આ ફોટોની મદદથી નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતીને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતાં મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતાં ડોક્ટર પાસે યુવતીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેનાં માતા-પિતાને જાતિવિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી સાથે સાસરિયામાં મારઝૂડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લવ જેહાદનો નવો કાયદો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં 15મી જૂન 2021થી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને એ હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે તથા તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.