વાવડીની કરોડોની જમીનના મામલે કોંગીના પૂર્વ નગરસેવકના પતિ અને સસરાની ધરપકડ: એકની શોધખોળ
આરોપીના વડીલો પાસેથી ખરીદ કરેલી જમીનમાં દિવાલ અને ઓરડી બનાવવાનો પ્રયાસ કરી રકમ પડાવવાનો પ્રયત્ન કર્યો
રાજકોટ જિલ્લાના પ્રથમ લેન્ડ ગ્રેબીંગ હેઠળ નોંધાયેલો ગુનાની ગણતરીની કલાકોમાં શહેર પોલીસ કમિશ્નરે ભૂમાફીયા સામે લાલ આંખ કરી કોંગી અગ્રણી અને તેના પિતા સહિત ત્રણ સામે જમીન દબાણ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના પ્રધ્યુમન ગ્રીન સિટી પાસે રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા રેનુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ વાવડી ગામે રહેતા અને કોંગીના પૂર્વ નગરસેવકના પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સસરા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાએ વાવડી ગામે આવેલી પોતાની માતા મીનાકુમારીની જમીનમાં ગેરકાયદે કબ્જો કરી કમ્પાઉન્ડ વોલ તોડી અને ઓરડી બનાવવાનો પ્રયાસ કરી સિક્યુરીટી ગાર્ડને ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વાવડી ગામે રહેતા સ્વ.નટવરસિંહજી નારણસિંહજી જાડેજાની સર્વે નં.૩૮/૩ની જમીનમાંથી ૩૧ ગુંઠા જમીન મીનાકુમારી મહાસુખલાલ પારેખ ૧૯૭૧માં ખરીદ કર્યા બાદ આ જમીન પૈકી ૨૧૨૫ ચો.મી. જમીનમાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવિરસિંહ દોલતસિંહ જાડેજા દ્વારા ગેરકાયદે જણાવી દિવાલ તોડી પાડી અને ઓરડી બનાવવાનો પ્રયાસ કરતા આ અંગે જમીનના મુળ માલિક મીનાકુમારી પારેખની પુત્રી રેનુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ કલેકટર કચેરીમાં અરજી કરી હતી.
જે અરજી અન્વયે કલેકટર કચેરી દ્વારા કાયદા હેઠળ નિમાયેલા સમિતિએ દસ્તાવેજીના આધારે કરેલા રિપોર્ટ બાદ કલેકટર નવા કાયદા હેઠળ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાયદા હેઠળ ગુનો નોંધવા કરેલા અન્વયે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ મથકને આદેશ કર્યો હતો.તાલુકા પોલીસ મથકના સ્ટાફે મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા તેના પિતા કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવિરસિંહ દોલતસિંહ જાડેજા સામે નવા કાયદા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી મહેન્દ્રસિંહ જાડેજા અને કનકસિંહ જાડેજા સહિત બન્નેની ધરપકડ કરી આ ગુનાની તપાસ એસીપી જે.એસ.ગેડમે આગળની તપાસનો દૌર ચલાવ્યો.