- લોકસભાની ચૂંટણીની લાંબી’
- સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરનાર નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ કેબિનેટમાં કરાયો પસાર
- રાજકોટ અગ્નિકાંડ, પ્રિ-મોનસુન કામગીરી, માવઠાથી થયેલી નુકશાની, શાળા પ્રવેશોત્સવ, વન મહોત્સવ અને યોગ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા
લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા ઉઠ્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની કેબિનેટ બેઠક મળી હતી. ભારતના વડાપ્રધાન પદે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરતા તેઓને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
દર બૂધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળતી હોય છે.
આ કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવતી હોય છે. અને વિવિધ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે.
ગત 16મી માર્ચથી આચાર સંહિતા લાગુ પડી હતી જેના કારણે રાજય સરકાર દ્વારા કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકાયા ન હતા. આચાર સંહિતામાં વચ્ચે એકવાર કેબિનેટની બેઠક મળી હતી. પરંતુ તે માત્ર ઔપચારિક બની રહેવા પામી હતી.
આજે સવારે 10 કલાકે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં સૌ પ્રથમ, વડાપ્રધાન પદે સતત ત્રીજી વખત શપથ લેવા બદલ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિવિધ મૂદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમા સર્જાયેલા અગ્નીકાંડ, હાલ રાજય ભરમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતોને સીલ કરવામાં આવતી મિલકતોથી વેપારીઓમાં જોવા મળતી નારાજગી, પ્રિ-મોનસુન કામગીરી, ગત મહિને પડેલા માવઠાથી ખેડુતોને થયેલી નુકશાનીના સર્વે અંગે, 21મી જૂને યોજાનારા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી, શાળા પ્રવેશોત્સવ અને વન મહોત્સવ સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભામાં સત્ર મળે તેવી સંભાવના છે. મંત્રી મંડળના વિસ્તરણની પણ વાતો ચાલી રહી છે. જેમાં નવા 8 થી 10 રાજયોનો સમાવેશ કરવામાં આવશે.