કાનપુરમાં મહારાજપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં આવેલ આર્મીનો સામાન બનાવતી એમકેયૂ ફેક્ટરીમાં મોડી સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. જેમાં કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
આ આગ અંગે સૂચના મળતા જ પોલીસ અને ત્રણ ડઝન ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ફેક્ટરીની અંદર 50થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. જો કે આગ લાગતા જ તમામ મજૂરો અને કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને તમામનો આબાદ બચાવ થયો હતો.
આ ફેક્ટરીમાં બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં આવતા હતા. આ જેકેટ આર્મીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવતા હતા. ફેકટરીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, તેવું ફેકટરીના માલિક મનોજ કુમારે જણાવ્યું હતું.
80 ટકા જેકેટ બની પણ ચૂક્યા હતા. હવે આ આગના કારણે 90 કરોડનું નુકશાન થયું હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
આર્મી અને પોલીસ માટે બુલેટપ્રૂફ જેકેટ બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે કરોડોના રૂપિયાનું આંધણ થઈ ગયું છે. આ ફેક્ટરીની બીજી શાખા ફતેપુરના માલવામાં છે. હાલમાં જ આર્મી તરફથી જેકેટ બનાવવાનો ઑર્ડર આપવામાં આવ્યો હતો, જેને બનાવવાનું કામ છેલ્લા એક મહિનાથી ચાલતું હતું.