શિસ્તની દુહાઇ દેતી ભારતીય જનતા પાર્ટીમાં હવે શિસ્તને હાંસીયામાં ધકેલી દેવામાં આવી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યુછે. વર્ષોથી પક્ષ પ્રત્યે સમર્પીત નેતાઓની આંતરડી કકળી રહી છે. વિકલ્પ ન હોવાના કારણે સમર્પિત કાર્યકરો તમાશો નિહાળી રહ્યા છે. બૂથ લેવલનો સામાન્ય કાર્યકર જો સામાન્ય ગુસ્તાખી કરે તો પણ તેની સામે મવડી મંડળ દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે. બીજી તરફ સંગઠનની ખુરશી પર બેઠેલા હોદ્ેદારો વારંવાર ભૂલ કરે તો તેની સામે કોઇ જ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવાની કામગીરી અને ખાસ કરીને અત્યંત ખરાબ વર્તનના કારણે કાર્યકરોમાં અસંતોષની ચિનગારી જોવા મળી રહી છે. જો સમય રહેતા હાઇકમાન્ડ દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવે તો આ ચિનગારી ભિષણ આગમાં પરિવર્તીત થઇ જશે.
કાર્યકરોનું માન-સન્માન જાળવવામાં આવતુ ન હોવાની ફરિયાદ: હોદ્ા આપવાની લાલચ આપી અનેકને શીશામાં ઉતાર્યાની પણ ચર્ચા
પ્રદેશ પ્રમુખ સુધી ફરિયાદોનો મારો છતા કોઇ શિક્ષાત્મક પગલા ન લેવાતા ભારે નારાજગી: ચૂંટણી વર્ષમાં જ શિસ્તબધ્ધ પાર્ટીમાં ઉકળતો ચરૂ
ગુજરાત ભાજપનું સંગઠન માળખુ અને કાર્ય પ્રણાલી દેશભરના કાર્યકર્તાઓ માટે મોડલ સમાન ગણવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનો ગઢ સતત મજબૂત બની રહ્યો છે. છતા પક્ષમાં આડેધડ કરવામાં આવતી ભરતીથી …… અને પક્ષને મજબૂત બનાવવા માટે લોહી-પાણી પાણી એક કરનારા કાર્યકરો અને આગેવાનોના હૈયા હાલ સળગી રહ્યા છે. સંગઠનની ખુરશી શોભાવી રહેલા નેતાઓ બૂથ લેવલના કાર્યકર જેટલી શિસ્ત પણ જાળવતા ન હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ઉઠી રહી છે. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવાની કાર્યશૈલી સામે પક્ષમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મહિલા કાર્યકર્તાઓ સાથે તેઓનું વર્તન છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાસ્પદ બન્યુ છે. સંગઠનલક્ષી કામગીરી માટે માર્ગદર્શન કે મંજૂરી લેવા આવતા કાર્યકરો સાથે પણ ડો.સરડવાનું વર્તન એક ગુનેગાર સાથે જેવુ પોલીસનું હોય તેવું હોય છે.
રાજનીતીમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા “નારી શક્તિ વંદન” વિધેયક લાવવામાં આવ્યું છે. જેમાં લોકસભા-વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી છે. નરેન્દ્રભાઇ મહિલાઓને માન આપવા સતત મથામણ કરી રહ્યા છે. બીજી તરફ તેઓના જ માદરે વતન ગુજરાતમાં પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દ્વારા પક્ષને સમર્પિત મહિલા કાર્યકરોનું પુરતુ માન સન્માન જાળવવામાં આવતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ડો.દિપીકાબેન સરડવા સામેની ફરિયાદો છેક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુધી પહોંચી હોવાની ચર્ચા ભાજપના કાર્યકરોમાં થઇ રહી છે. જો કે, હજી સુધી પ્રદેશ પ્રમુખ દ્વારા ડો.સરડવા સામે શિક્ષાત્મક પગલા લેવાની વાત તો દુર રહી તેમને ઠપકો પણ આપવામાં આવ્યો નથી.
રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકા ઉપરાંત તાલુકા કક્ષાએ મહિલા મોરચામાં ઉચ્ચ સ્થાન આપવાની લાલચ આપી અનેક મહિલા કાર્યકર્તાઓને શીશામાં ઉતારી દીધાની ચર્ચા પણ પક્ષમાં ચાલી રહી છે. પ્રદેશ કક્ષાએ હોદ્ો મળ્યા બાદ ડો.દિપીકાબેન સરડવાની કામગીરી સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં તેઓ રાજકોટ બેઠક માટે દાવેદાર મનાય રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તાઓ સાથેના તેઓના અણછાજતા વર્તનના કારણે તેમની સામે અસંતોષની ચિનગારી લબકારા મારી રહી છે. જો હવે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા તેઓની સામે લાલ આંખ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં પક્ષે જ નુકશાની વેઠવી પડશે.
ગુજરાતમાં હાલ ભાજપનો કોઇ હરિફ નથી. આ વાતો થોડા-ઘણા અંશે સાચી જ છે પરંતુ ભાજપના નેતાઓ ભાજપની આબરૂ ધુળધાણી કરી રહ્યા છે. ચૂંટણીમાં ટિકિટ કે સંગઠનમાં હોદ્ો મળ્યા બાદ વિક્રમાદિત્યના સિંહાસન પર સવાર થઇ ગયા હોય તે રિતે વર્તન કરતા નેતાઓને નાથવામાં નહી આવે તો કાર્યકર્તાઓની નારાજગીમાં સતત વધારો થતો રહેશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છાશવારે એવુ નિવેદન આપી રહ્યા છે કે ભાજપના કાર્યકરો દેવથી દુર્લભ છે. કાર્યકરોનું અપમાન ક્યારેય સાખી લેવામાં આવશે નહી. મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવા કાર્યકરોનું ક્યારેય માન-સન્માન જાળવતા નથી અને અપમાન કરવામાં પાછી પાની કરતા નથી છતા તેઓની સામે કોઇ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લા કે મહાનગરના સંગઠનના હોદ્ેદારોને મળવા લાંબી રાહ જોવડાવવી તેઓને જાણે સ્વભાવ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.
મહિલા મોરચાના કાર્યકરો પ્રદેશ અધ્યક્ષાની કાર્યશૈલીથી ભારોભાર નારાજ છે. સ્થાનિક નેતાગીરીથી લઇ પ્રદેશ હાઇકમાન્ડ સુધી ફરિયાદો કરવામાં આવી હોવા છતા “ઠપકો” આપવાની પણ તસ્દી મવડી મંડળ દ્વારા લેવામાં આવી ન હોવાના કારણે મહિલા કાર્યકર્તાઓ પોતાનું માન-સન્માન જળવાય રહે તે માટે થોડું અંતર વધારી રહ્યા છે. આ તમામ વાતથી પ્રદેશના નેતાઓ સારી પેઢે વાકેફ છે. પરંતુ લોકસભાની ચૂંટણી સમયે જ પ્રદેશ કક્ષાના નેતા સામે કોઇ પગલા લેવામાં આવે તો વિવાદ ઉભો થવાનો ડર તેઓને સતાવી રહ્યો હોવાના કારણે હાલ “હોતા હૈ ચલતા હૈ” જેવી નીતી નેતાઓ દ્વારા અપનાવી લેવામાં આવી છે. અસંતોષની ચિનગારી ભિષણ આગનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેના પર પાણી રેડી દેવું હાઇકમાન્ડ માટે ખૂબ જ આવશ્યક બની ગયું છે.