ગોડાઉનની બાજુમાં આવારતત્વોએ કચરાનો ઢગલો સળગાવતા સર્જાઈ દુર્ઘટના: દસ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર: લાખોની મત્તા બળીને ખાક
રાજકોટના ગીચ વિસ્તાર એવા મોટી ટાકી ચોક પાસે આવેલા ભીલવાસ ચોક નજીક ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી આગ સાત કલાક બાદ પણ હજુ બેકાબૂ છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કાફલો તુરંત દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથધર્યા હતા. ગોડાઉનમાં લાકડા હોવાથી લાખોની મત્તા બળીને ખાક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે મેટ્રો પ્લાઝા સામેની શેરીમાં આવેલા ભીલવાડા ચોક પાસે આવેલા હર્ષદ ફર્નિચર માર્ટ નામના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં મુખ્ય ફાયર વિભાગ, રેલનગર, બેડીપરા સહિતના ફાયર મથકના જવાનો દસ બંબા લઈને ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રહ્યા છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે ફાયર વિભાગના જવાનોએ સતત સાત કલાકથી પાણીનો મારો ચલાવ્યો હોવા છતાં પણ આગ હજુ બેકાબૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા સાત કલાકથી ફાયર વિભાગના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આ આગની ઘટનામાં હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી પરંતુ તેમાં રહેલો અડધા કરોડથી પણ વધુનો સામાન બળીને ખાક થઈ ગયો છે. હાલ ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આ અંગે ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે ગોડાઉનની બહાર લોકોને ના પાડી હોવા છતાં કચરાનો ઢગલો કરતા હોય જેમાં ગત રાતે કોઈ આવારાતત્વો આ કચરાના ઢગલામાં આગ લગાવી હોય જે આગ ગોડાઉન સુધી પહોંચતા પૂરું ગોડાઉન ભડકે બળ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને પંચનામુ કરી વધુ તપાસ હાથધરી હતી]
ટીપરવાનના કોન્ટ્રાક્ટરો-કચરો ફેંકનારાઓ પર કોર્પોરેશનના ચાર હાથ જીવલેણ દુર્ધટના સર્જશે
શહેરના સદર વિસ્તારમાં આજે લાગેલી ભીષણ આગ માટે કોર્પોરેશન તંત્રની બેદરકારી જ જવાબદાર છે કારણ કે ફર્નિચરના જે ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. તે ગોડાઉન પાસે બેફામ કચરો પડ્યો હતો અને આ કચરાને કોઇ અસામાજીક તત્વો દ્વારા સળગાવવામાં આવ્યો હોવાના કારણે આગ ભભૂકી ઉઠી હોવાની શંકા છે. આ વિસ્તારમાં 6 વર્ષ પહેલા કચરા પેટી ઉઠાવી લેવામાં આવી છે.
સફાઇ કામદારો પણ અહીં જ વ્હીલબરો રાખે છે, જેના કારણે કચરો એકત્રિત થાય છે. આ ઉપરાંત ટીપરવાનના માણસો પણ અહીં ટીપરવાન ઉભી રાખીને કચરાનું શોર્ટિંગ કરતા હોય છે અને વધારાનો કચરો ત્યાં જ ફેંકી જતા રહે છે. પરિણામે કાયમી ધોરણે આ વિસ્તાર જાણે ઉકરડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર કોર્પોરેશનના અધિકારીઓને કચરા સંદર્ભે ફરિયાદ કરવામાં આવી છે છતાં તંત્ર હમેંશા આંખ આડા કાન કરે છે. જેના કારણે ટીપરવાનના ડ્રાઇવર અને ક્લીનર તથા વ્હીલબરો મૂકતા સફાઇ કામદારોને મોકળું મેદાન મળી ગયું છે. આજે આગ લાગવાની ઘટનામાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
જો કે સદ્નશીબે જીવલેણ દુર્ધટના અટકી છે. પરંતુ જો આવી જ રીતે તંત્ર કચરો ફેંકનારાઓ અને ટીપરવાનના કોન્ટ્રાક્ટરો પર ચાર હાથ રાખશે તો ભવિષ્યમાં જીવલેણ દુર્ધટના સર્જાવવાની ભીતી પણ રહેલી છે.