વહેલી સવારે લાગેલી આગ પર કાબુ મેળવવા ૧૦ ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવ્યો: ફેકટરીમાં કિંમતી માલ-સામાન સળગી ખાખ
શહેરના ગોંડલ રોડ ઉપર માલધારી ફાટક પાસે આવેલી પૃથ્વી સબમર્શીબલ નામની ફેકટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ ત્રણ ફલોર સુધી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડમાં જાણ થતાં ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર પહોંચી ચાર થી પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ફેકટરીમાં મોટાપાયે નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે.
માલધારી ફાટક પાસે આવેલી પૃથ્વી સબમર્શીબલ નામની ફેકટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા એક બાદ એક ત્રણ ફલોર સુધી આગ પ્રસરી જતાં તેને કાબુમાં લેવી એક તબકકે ફાયર બ્રિગેડ માટે મુશ્કેલ બની ગયું હતું. એક પછી એક ૧૦ ફાયર ફાઈટરો આગને કાબુમાં લેવા કામે લગાડવામાં આવ્યા હતા. ચાર થી પાંચ કલાક પાણી મારો ચલાવ્યા બાદ મહામહેનતે આગ કાબુમાં આવી હતી.
ત્રણ ફલોરમાં આવેલી ફેકટરીમાં એક બાદ એક ત્રણેય ફલોરમાં આગ ફેલાઈ ગઈ હતી. વહેલી સવારના આગ લાગ્યા બાદ છત પર સુતેલા મજૂરોને જાણ થતાં તેમનો ચમત્કારી બચાવ થયો હતો. આગની ઘટનામાં ફેકટરીનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પૃથ્વી સબમર્શીબલ ફેકટરીના માલીક ભાવેશભાઈ પટેલ અને પિયુષ પટેલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફેકટરીમાં નાઈટ સીફટમાં પણ મજૂરો કામ કરતા હોય જેઓ નોકરી પુરી કરી છત પર સુતા હતા. બાદમાં ઓચીંતી આગ ભભૂકી ઉઠી હતી. જો કે, સદનશીબે આગની જવાળા છત સુધી ન પ્રસરતા જાનહાની ટળી હતી.આગ કયાં કારણોસર લાગી ? તેમજ આગની આ ઘટનામાં કેટલા રૂપિયાનું નુકશાન થયું તેનો આંકડો જાણી શકાયો ન હતો. પરંતુ એક બાદ એક ત્રણેય ફલોરમાં આગ પ્રસરતા ઘટનામાં મોટાપાયે નુકશાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ઘટનાના પગલે ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબા તેમજ ઝીંઝુવાડીયા તેમજ પુરોહિત પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.