સીઆઈડી ક્રાઈમે સીટની રચના કરી આદરી તપાસ: જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે
આગ લાગી ત્યારે સિકયોરીટી ગાર્ડ ગોડાઉનમાં હાજર હોવાનો ઘટસ્ફોટ: કોના કહેવાથી વેલ્ડીંગ કામ કરાયું તે દિશામાં તપાસ: પુછપરછનો દૌર ચાલુ
ગોંડલમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી રૂ.૨૮ કરોડની મગફળી પર શંકાસ્પદ રીતે આગ લાગવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. સીઆઈડીએ સીટની રચના કરી ગોડાઉનના બહારના ભાગેથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગના લીધે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. વેલ્ડીંગ કરનાર ૬ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે.
ગોંડલના ઉમવાડા રોડ ઉપર આવેલા મગફળી ગોડાઉનમાં મંગળવારે બપોરે ૪:૪૮ કલાકે શંકાસ્પદ રીતે આગ લાગી હતી. આગની ઘટનામાં ૨૮ કરોડની મગફળીનો જથ્થો સળગીને ભસ્મભુત થઈ ગયો હતો. ૪૮ કલાક બાદ આ અંગેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી ત્યારે સીઆઈડી ક્રાઈમે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તેમાં ૭ અધિકારીઓની નિમણુક કરીને તપાસ શરૂ કરી છે. ડીઆઈજી ડીપાંકન ત્રિવેદીના સુપરવિઝન હેઠળ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વધુમાં જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ગોડાઉનની બહારના ભાગે પતરા ઉપર વેલ્ડીંગ કામ કરવામાં આવ્યું હોવાથી ગોડાઉનમાં આગ લાગી હોવાનું તારણ નિકળ્યું છે. પોલીસે વેલ્ડીંગ કામ કરનાર ૬ શખ્સોની અટકાયત કરી છે. વધુમાં પુછપરછનો દોર હજુ ચાલુ છે. મગફળીના ગોડાઉનમાં જયારે આગ લાગી હતી ત્યારે સિકયોરીટી ગાર્ડ ત્યાં હાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વેલ્ડીંગ કામ કરનારા છ શખ્સોની અટકાયત કરી તેઓની પુછપરછ ચાલી રહી છે. વેલ્ડીંગ કામ કરવા માટે પાવર કનેકશન કયાંથી મળ્યું ? તે પણ મોટો પ્રશ્ર્ન છે. વધુમાં કોના કહેવાથી વેલ્ડીંગ કામ કરવામાં આવ્યું હતું અને વેલ્ડીંગ કામ કરવા માટે ગોડાઉનના મેનેજરને પુછવામાં આવ્યું હતું કે નહીં ? તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.
ગોંડલના વેર હાઉસમાં આગની ઘટનામાં કરોડોની મગફળી બળીને ખાખ થતા રાજયભરમાં ભારે સનસનાટી સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગથી આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. પ્રકરણમાં ઘટના સ્થળેથી ઓઈલ અને ગ્રીસના બેલર મળી આવતા કૌભાંડને ઢાંકવા માટે વેર હાઉસમાં આગ લગાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે વેલ્ડીંગથી આગ લાગી હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે.