સરદારનગર મેઈન રોડ પર કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટથી આગ: ફાયર સ્ટાફે રેસ્કયુ ઓપરેશન કરી સાત લોકોને બચાવ્યા
શહેર નજીક આવેલા શાપરમાં જીનીંગ ફેક્ટરીમાં આગ લાગતા રાજકોટ ગોંડલનો ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી અડધો કલાક બા આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે જીનીંગ ફેકટરીમાં અંદાજે રૂ ૧.૨૦ કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય બનાવમાં સરદારનગર મેઈન રોડ પર આવલે અમૃત કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેર નજીક શાપરમાં શિતળામાતાજીના મંદિર પાસે આવેલા રોયલ જીનીંગ ફેકટરીમાં ગત રાતે કોઈ કારણોસર આગ લાગતા જોત જોતામાં આગ ફેકટરીમાં રહેલા રૂ ની ઘાસડીઓને કારણે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ ઘટનાની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડ અને ગોડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવ્યો હતો. અડધો કલાક બાદ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યે હતો. ઘટનાને પગલે જીનીંગ ફેકટરીમાં રહેલી ૧૫૦૦ જેટલી રૂ ની ઘાંસડીઓમાંથી ૪૦૦ ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો કરવાથી પાસે રહેલી અન્ય રૂ ની ઘાસડીઓમાં પણ નૂકશાન થયું હતુ જેના પગલે અંદાજીત રૂ.૧.૨૦ કરોડની મતા બળીને ખાખ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.
જયારે અન્ય બનાવમાં સરદારનગર મેઈનરોડ પર આવલા અમૃત કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગતા ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર કાબુ મેળવી ઉપર માળે ફસાયે સાત લોકોને રેસ્કયુ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ઈલેકટ્રીક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ જયારે કોઈ પણ પ્રકારની નુકશાની અથવા જાનહાની થઈ ન હતી.