રાજકોષીય ખાદ્ય પર ફોકસ કરી અર્થતંત્રને આગળ ધપાવવાની રણનીતિ: જીએસડીપીના 5% સુધી ઉધાર લેવાની રાજયોને કેન્દ્રએ મંજૂરી આપતા કોરોના મહામારીમાં ખર્ચ વધવા છતા ભંડોળ વણવપરાયેલું
કોરોનાને કળ વળતાં દેશના અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગી છે. મહામારીના સમયમાં પણ ભારતના 20 જેટલા રાજયોની નાણાંકીય સ્થિતિ મજબૂત દરે ઉભી રહી છે. જેમ કેન્દ્ર સરકારનું છેલ્લા બે વર્ષનું બજેટ મુખ્યત્વે રાજકોષીય ખાદ્ય પર રહ્યું છે તેમ રાજ્યોએ પણ રાજકોષીય ખાદ્ય પર ફોક્સ કરી પોતાની નાણાંકીય સ્થિતિ મજબૂતાઈભેર ટકાવી રાખી છે. 20 રાજ્યો એવા છે જેમણે ગયા વર્ષની દેવાની કુલ રૂપિયા 2.6 લાખ કરોડ જેટલી રકમ નાણાંકીય વર્ષ 2022માં આગળ ધપાવી છે એટલે કે આ 2.6 લાખ કરોડના દેવાની રકમ વણવપરાયેલી રહેતા તે હવે નાણાંકીય વર્ષ 2022માં ઉપયોગમાં લેવાશે.
તાજેતરમાં જારી થયેલા ઈકરા રેટિંગના અહેવાલ મુજબ, 20 રાજ્યો તેમની 2.6 લાખ કરોડની દેવાની રકમ આગામી નાણાંકીય વર્ષમાં કેરી ફોરવર્ડ કરશે. હાલ કોરોના રોગચાળાથી આવકની તંગી અને એમાં પણ આરોગ્ય તેમન ખાદ્ય પ્રત્યે વધતા જતા જાહેર ખર્ચ છતાં રાજ્યો દ્વારા કેન્દ્ર પાસેથી ઉધાર ઓછો લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે રાજ્યો તેમના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના 5 ટકા સુધીની રકમ ઉધાર લઈ શકશે તેમ કેન્દ્ર સરકારે મંજુરી આપી હતી. પરિણામે નાણાકીય વર્ષ 2021માં રાજ્યો દ્વારા કુલ 8.5 લાખ કરોડ રૂપિયાનું દેવું લેવામાં આવ્યું હતું. કારણ કે રાજ્યોની આવકમાં ભારે ઘટાડો થયો હતો અને લોકડાઉનમાં ફસાયેલા લોકોને ટેકો આપવા માટે વધુ ખર્ચનો સામનો કરવો પડ્યો હતો.
10 ઓગસ્ટ સુધીના આંકડાને ધ્યાને લઈએ તો રાજ્યના દેવાની નાણાકીય વર્ષ 22માં અત્યાર સુધી રાજ્યો દ્વારા લેવાયેલ ઉધાર વાર્ષિક ધોરણે 11 ટકા ઓછું અને સૂચક હરાજી કેલેન્ડરમાં દર્શાવેલ રકમ કરતાં 15 ટકા ઓછું છે. કુલ 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીએ અત્યાર સુધી માર્કેટને ટેપ કર્યું છે અને 10 ઓગસ્ટ સુધીમાં રૂ. 2.18 લાખ કરોડ એકત્ર કર્યા છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 2.45 લાખ કરોડ ઉધાર લીધા હતા. ઈકરા રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે તેના અંદાજ મુજબ 20 રાજ્યોએ નાણાકીય વર્ષ 2021માં 2.6 લાખ કરોડ રૂપિયાના બિનઉપયોગી ઉધાર છે, અને તેનો ઉપયોગ નાણાકીય વર્ષ 2022માં કરવામા આવી રહ્યો છે.