બજેટ ભલે લાગુ ચૂંટણી પછી થવાનું હોય પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમાં અર્થતંત્રને બુસ્ટર આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે
હાલ ભાજપ સરકાર મોદી મંત્ર -1 : અર્થતંત્રને મજબૂતાઈ અને મોદી મંત્ર-2 : આંતકવાદનો સફાયો આ બે મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી વર્ષ 2024ની ચૂંટણી લડવાની છે. તેવામાં આ ચૂંટણી પહેલા નાણામંત્રી હલવો હલાવી નાખવાના છે. ભલે બજેટ લાગુ ચૂંટણી બાદ થવાનું હોય પણ તેમાં અર્થતંત્રને ધ્યાન આપવા સહિતના અનેક ચૂંટણીલક્ષી મુદ્દાઓ સમાવી લેવામાં આવશે.
નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મંત્રાલયે વિવિધ વિભાગો અને મંત્રાલયો પાસેથી ખર્ચની વિગતો માંગવાની સાથે શરૂઆત કરી છે. આગામી વર્ષે એપ્રિલ-મેમાં સંભવિત લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે માત્ર વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. આ નાણાકીય વર્ષનું સંપૂર્ણ બજેટ લોકસભા ચૂંટણી પછી રચાનારી નવી સરકાર દ્વારા કરવામાં આવશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટેના બજેટ પર એક પરિપત્ર બહાર પાડ્યો છે. તદનુસાર, ખર્ચ સચિવની અધ્યક્ષતામાં પ્રિ-બજેટ બેઠકોનો રાઉન્ડ ઓક્ટોબર, 2023ના બીજા સપ્તાહથી શરૂ થશે અને નવેમ્બરના મધ્ય સુધી ચાલશે.
1 સપ્ટેમ્બરે જારી કરાયેલા પરિપત્ર મુજબ, નાણાકીય સલાહકારોએ ખાતરી કરવી જોઈએ કે 5 ઓક્ટોબર સુધીમાં જરૂરી વિગતો પૂરી પાડવામાં આવે. પ્રિ-બજેટ મીટિંગમાં, તમામ પ્રકારના ખર્ચ માટે જરૂરી નાણાંકીય ભંડોળ સાથે મંત્રાલયો અથવા વિભાગોની રસીદોની ચર્ચા કરવામાં આવે છે. આમાં કર સિવાયની આવકને પણ ચોખ્ખા ધોરણે ધ્યાનમાં લેવામાં આવશે. પરિપત્ર અનુસાર, તમામ મંત્રાલયો અને વિભાગોએ સમર્પિત ભંડોળ સાથે સ્વાયત્ત સંસ્થાઓ અથવા અનુપાલન સંસ્થાઓની વિગતો પણ આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે સરકાર ચૂંટણીલક્ષી બજેટ બનાવશે. વડાપ્રધાન મોદી અગાઉ અનેક વખત કહી ચુક્યા છે કે ચૂંટણી તો આવે અને જાય. પણ દેશને બરાબર રીતે ચલાવતો રહેવાનો છે. તે મુજબ ભલે બજેટ લાગુ ચૂંટણી બાદ થવાનું હોય પરંતુ તેમાં અર્થતંત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારામનું છઠ્ઠું બજેટ હશે
નાણાકીય વર્ષ 2024-25 માટેના બજેટ અંદાજોને પ્રી-બજેટ મીટિંગ્સનો રાઉન્ડ પૂરો થયા પછી કામચલાઉ રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણના કાર્યકાળનું આ સતત છઠ્ઠું બજેટ હશે. તેમણે જુલાઈ, 2019માં તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. વચગાળાનું બજેટ 2024-25 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે.