આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ જશે. સવારે રાજ્યપાલના પ્રવચનથી સત્રની શરૂઆત થશે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પહેલી બેઠકમાં રાજ્યપાલના પ્રવચન બાદ શોક પ્રસ્તાવ રજૂ થશે. આજની કાર્યવાહી શ્રદ્ધાંજલિ બાદ મુલતવી રાખવામાં આવશે. તેમજ લોકસભા ચૂંટણીને કારણે લેખાનુદાન બજેટ રજૂ કરાશે. ઉલ્લેખનિય છે કે 19 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ લેખાનુદાન બજેટ રજૂ કરશે.
પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે.
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનો માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો શહીદના પરિવારોને ધારાસભ્ય તરીકે મળતો એક એક પગાર આપશે.
લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસ શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. વિરોધ પક્ષ દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરાશે. આ સત્રમાં લોક રક્ષક દળના ભરતી કૌભાંડ, જંયતી ભાનુશાલી હત્યા કેસ અને ખેડૂતોના દેવા માફી જેવા મુદ્દા કોંગ્રેસમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાઓને કારણે બજેટ સત્ર ફરીથી આક્રમક બની શકે છે.