મતદારીયાદી સંક્ષીપ્ત સુધારણાનો કાલે છેલ્લો દિવસ: 28 દિવસમાં 12.67 લાખ ફોર્મ ભરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી નવેમ્બર માસમાં યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી 10મી ઓક્ટોબરના રોજ નવી સુધારેલી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર 12મી ઓગસ્ટ થી 11મી સપ્ટેમ્બર, દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી ઓક્ટોબર, 2012ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન આપી શકાય છે.
રાજ્યના 33 જિલ્લાઓના 51,782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 12,67,421 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 5,92,193 ફોર્મ નં.06 તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું ઊઙઈંઈ (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી 4,90,164 ફોર્મ નં.08 સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ 48,04,273 મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.
મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા મતદારો કે નવા મતદાર તરીકે નામ નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે વધુ એક તક મળવાની છે. આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના 10.00 કલાકથી સાંજના 17.00 કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.
મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.
11મી સપ્ટેમ્બર, 2022 સુધીમાં મળેલી અરજીઓના આધારે મતદારયાદીના મુસદ્ામાં દર્શાવેલ મતદારની વિગતોમાં ફેરફાર કરીને નવી સુધારેલી આખરી મતદારયાદી 10મી ઓક્ટોબર રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.