બંને ટર્મની પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને સીધા આવતા વર્ષે પરીક્ષા આપવા મળશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની હાલમાં ચાલી રહેલી ટર્મ-2ની પરીક્ષામાં ઉ5સ્થિત ન રહી શકનારા વિદ્યાર્થીઓનું પણ પરીણામ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના ટર્મ-1ના પરિણામના આધારે તેમનું ધો.10 અને 12નું પરીણામ બોર્ડ દ્વારા જાહેર કરાશે. આમ જો કોઇ વિદ્યાર્થીએ ટર્મ-1ની પરીક્ષા આપી ન હોય અને ટર્મ-2ની પરીક્ષા આપી રહ્યો હોય તો તેનું પરીણામ પણ જાહેર કરાશે. આમ બોર્ડની આ વખતની બે ટર્મની પરીક્ષામાં ગમે તે એક ટર્મની પરીક્ષા આપી હશે તો તેના પરીણામના આધારે બોર્ડનું અંતિમ પરીણામ જાહેર કરાશે. મળતી માહિતી મુજબ સીબીએસઇ બોર્ડ દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી ધો.10 અને 12ની ટર્મ-2ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડ દ્વારા ટર્મ-1 અથવા તો ટર્મ-2 પૈકી ગમે તે એક ટર્મની પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓનું પણ પરીણામ જાહેર કરાશે. જો કે કોઇ વિદ્યાર્થી સીબીએસઇ બોર્ડ દ્વારા યોજવામાં આવેલી ટર્મ-1 અને ટર્મ-2 એમ બંને પરીક્ષામાં ઉપસ્થિત રહેતો નથી તો આવા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આ વર્ષે યોજાનારી પરીક્ષામાં પણ ઉ5સ્થિત દેવામાં આવશે નહી જેથી આવા વિદ્યાર્થીઓએ બોર્ડની હવે પછીના વર્ષે લેવાનારી પરીક્ષામાં જ ઉપસ્થિત થવાની તક મળશે. જેથી જે વિદ્યાર્થીઓ બોર્ડની બંને ટર્મની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા નથી તેમનું એક વર્ષ બગડશે તે નક્કી છે.
નોંધનીય છે કે આ વખતે સીબીએસઇ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 35 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. જેમાં ધો.10ની પરીક્ષા માટે 21 લાખ અને ધો.12ની પરીક્ષા માટે 14 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.10 અને 12ની પરીક્ષા માટે સમગ્ર દેશમાં સાત હજાર કરતા વધુ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા વચ્ચે પૂરતી તૈયારીનો સમય મળે તે માટે બે પેપર વચ્ચે બે થી ત્રણ દિવસ અને અમુક પેપરમાં તો ચાર થી પાંચ દિવસ જેટલો ગેપ રાખવામાં આવ્યો છે.