યજ્ઞશાળાનું નિરીક્ષણ કરતા આચાર્ય હીરેનભાઇ શાસ્ત્રીજી સાંજે રામધામ ખાતે દેહશુધ્ધી, જલયાત્રા સાથે યજ્ઞ વિધી
અબતક,નિલેશ ચંદારાણા,વાંકાનેર
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં અને બાઉન્ટ્રી રાજકોટ રોડ તરફના ભાગે 30 એકરથી વધુ જમીન ઉપર રઘુવંશી સમાજની એકતાનું પ્રતિક “રામધામ” ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્યાતીભવ્ય મંદિર બનાવવના વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજનું ગૌરવ એવા જીતુભાઇ સોમાણીએ આજથી પાંચ વર્ષ પહેલા સેવેલું સ્વપ્નું સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજના આર્શિવાદ સાથે આગળ ધપી રહ્યું છે.
જાલીડાની સીમમાં સંપાદન થયેલ જગ્યા ઉપર તા.10, 11 અને તા.12 ફેબ્રુઆરીના ત્રણ દિવસના મહાયજ્ઞ અને તા.12મી એ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના લોહાણા મહાજનો અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓની ઉ5સ્થિતિમાં મંદિર નિર્માણને લઇને જ્ઞાતિજનોનું મહાસંમેલન પણ યોજાશે. આ મહાયજ્ઞ અને સંમેલન માટેની તૈયારી પુરજોષમાં ચાલી રહી છે.
મધ્યરાત્રી સુધી રામધામના સેવકો સ્થળ ઉપર યજ્ઞશાળા સ્ટેજ, બેનરો, સ્થળ સુચક બેનરો લગાવી રહ્યા છે.
રામયજ્ઞના નિમંત્રણ કાર્ય પૂર્ણતા સાથે કાર્યકરો અન્ય સેવાના કાર્યોમાં જોડાયા છે. રામધામ ઉપર તૈયાર થયેલ શ્રીરામ મહાયજ્ઞની પંચકુંડીનું નિરીક્ષણ આચાર્ય હીરેનભાઇ ત્રિવેદી, જીતુભાઇ સોમાણી, મેહુલભાઇ નથવાણી દ્વારા કરવામાં આવેલ અને શાસ્ત્રીજીએ ખુશી વ્યક્ત કરેલ.આજે તા.9મીના સાંજે 4:00 કલાકે યજ્ઞમાં બેસનાર યજમાનોના દેહશુધ્ધી, દશવિધી સ્નાન, વિષ્ણુ પુજન, પ્રાયશ્ર્ચિત બાદ રામધામ ભૂમિ ઉપર જલયાત્રા નિકળશે.
તા.10મીના સવારે 8:00 વાગ્યે મહામંડલેશ્ર્વર-1008 હરીચરણદાસજી મહારાજ તથા ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ મહાયજ્ઞનો પ્રારંભ થશે. જે સવારે 8:30 થી 12:30 અને બપોરે 3:30 થી 6:30 આ બંને ટાઇમ યજ્ઞ વિધી થશે. તા.12/2/2022ના સવારે 8:30 થી 11:30 સુધી યજ્ઞ બાદ પુર્ણાહુતી હોમ બાદ રામધામ ભૂમિ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાંથી પધારેલા લોહાણા મહાજનો, જ્ઞાતિજનો શ્રેષ્ઠીઓ અને સંતો-મહંતોની ઉ5સ્થિતિમાં “રઘુવંશી મહાસંમેલન” જ્ઞાતિ એકતા સાથે ભવ્યાતીભવ્ય મંદિરની ચર્ચા સંતો-મહંતોના આર્શિવચન, આચાર્યદિ બ્રાહ્મણોનું સન્માન સહિતના કાર્યક્રમો થશે.
ગઇકાલે ચોટીલા-થાન વિસ્તારના લોહાણા મહાજનોને રામધામના નિમંત્રણ માટે વાંકાનેરથી રામ સેવકો વિપુલભાઇ બુધ્ધદેવ, પ્રદિપભાઇ મજીઠીયા, યશ બુધ્ધદેવ, સંજયભાઇ નાગ્રેચા, નવિનભાઇ પુજારાની ટીમ પહોંચી હતી. જ્યારે પોરબંદર તરફ નિવૃત મામલતદાર ગુલાબરાય સુબા, જયદિપભાઇ ભીંડોરા, ગોપાલભાઇ ભીંડોરા, વિનેશભાઇ જોબનપુત્રાની ટીમ નિમંત્રણ આપવા પહોંચી હતી. જ્યારે રાજકોટમાં રામધામના સેવકો દ્વારા જ્ઞાતિ શ્રેષ્ઠીઓને નિમંત્રણ આપવામાં આવ્યા છે.
રામધામ ભૂમિ ઉપર મધ્યરાત્રી સુધી સ્ટેજ-સમીયાણો યજ્ઞ શાળામાં તૈયારીઓ ચાલી રહી છે. જીતુભાઇ સોમાણી તેમજ રાજકોટ, વાંકાનેર, મોરબી, કુવાડવા, ચોટીલાના કાર્યકરોએ રામધામ ખાતે મુકામ કરી તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.