રાજકોટ સિટી પોલીસ, જયોતી સીએનસી અને સુરક્ષા સેતુનાં ઉપક્રમે સતત આઠમી ટુર્નામેન્ટ યોજાઈ: વિજેતા ટીમને રૂા.૫૧૦૦૦નું ઈનામ: ગુજરાત પોલીસ ડી.જી.કપમાં વિજેતા સિટી પોલીસની ટીમને ઈનામ વિતરણ તેમજ સ્વ.જયદિપસિંહ રાણાનાં સ્વજનોને એકસીસ બેન્ક તરફથી ૩૦ લાખનો ચેક અર્પણ કરાશે: અગ્રણીઓ અબતકનાં આંગણે

રાજકોટ શહેરનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર અજય ચૌધરી, ડી.સી.પી. ઝોન-૧ રવિ સૈની, ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબારી હેઠળ રાજકોટ સીટી પોલીસ અને પરાક્રમસિંહ જાડેજા, મેનેજીંગ ડિરેકટર જયોતી સીએનસી અને સુરક્ષા સેતુ અંતર્ગત સતત ૮મી વખત રાજકોટ સીટી પોલીસ અને જયોતી સીએનસી ડે એન્ડ નાઈટ ફુટબોલ ચેલેન્જ કપ-૨૦૧૯ ટુર્નામેન્ટ તા.૨૨/૦૬/૨૦૧૯નાં રોજથી રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલ છે. જેમાં રાજયભરમાંથી કુલ ૩૨ ટીમો ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટ-૨૦૧૨થી શરૂ કરેલ છે. તા.૩૦/૬/૨૦૧૯નાં રોજ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાશે. જેનાં સમાપન કાર્યક્રમ સાંજના ક.૦૬/૦૦ વાગ્યે રાખેલ છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહી ખેલાડીઓનો જુસ્સો વધારશે અને ખેલાડીઓનાં પ્રોત્સાહનમાં ઈનામ વિતરણ કાર્યક્રમ તેઓનાં હસ્તે કરશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ચેમ્પીયન ટ્રોફી તથા રોકડ રૂપિયા ૫૧,૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. બેસ્ટ પ્લેયરને ઈનામ રૂા.૨૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ પરાજીત થનાર ટીમ (રનર્સ અપ ટીમ)ને રોકડ રૂા.૩૫,૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે તથા ત્રીજા અને ચોથા સ્થાને રહેનાર ટીમને રૂા.૫૦૦૦/-નું રોકડ ઈનામ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ સફળ બનાવવામાં જયોતિ સી.એન.સી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ફુટબોલ એસોસીએશન, એસાસ ગ્રુપ, એકસીસ બેન્ક, પુજારા ટેલીકોમ તેમજ આ ટુર્નામેન્ટનાં રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. તેમજ આ ટુર્નામેન્ટ દરમ્યાન રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ તરફથી ખેલાડીઓને પુરતી પ્રાથમિક સારવાર મેચ દરમ્યાન પુરી પાડી મહત્વનું યોગદાન આપવામાં આવેલ હતું.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ગુજરાત સ્ટેટ કોચ ડીસોઝા, સીટી પોલીસના બી.કે.જાડેજા, રાજેશ ચૌહાણ, એ.જી.ઓફિસનાં રાફેલ ડાભી, શ્રેયસ ઠાકર, મુન્નાભાઈ બહુરાસી, અહેસાસ ગ્રુપનાં નિશ્ર્ચલભાઈ સંઘવી, મિતેષભાઈ શાહ, વાય.સી.સી.કલબનાં જયેશભાઈ કનોજીયા, દિપક સાપરીયા, શહેર પોલીસનાં ઈનાયતભાઈ બેલીમ, રાજેશભાઈ મકવાણા, દિપકભાઈ યશવંતે, મુકેશભાઈ પાલ તેમજ ટ્રાફિક બ્રિગેડનાં જવાનોએ ટુર્નામેન્ટનું સંચાલન કરી મહત્વનો ફાળો આપેલ છે.

આ ટુર્નામેન્ટનાં સમાપન કાર્યક્રમ સાથોસાથ ગુજરાત પોલીસ ડી.જી.કપમાં વિજેતા થયેલ રાજકોટ સીટી પોલીસની ટીમને પણ ઈનામ વિતરણ તેમજ સ્વ.જયદીપસિંહ રાણાનાં સ્વજનોને એકસીસ બેન્ક તરફથી ખાતા ધારકનાં વળતર તરીકે રૂા.૩૦,૦૦,૦૦૦નો ચેક પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે અર્પણ કરવામાં આવશે. આ માટે અગ્રણીઓ અબતકનાં આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.