ફીમેલ લીડ રોલ સાથે ૧૦૦ કરોડને આંબતી બોલીવુડની બીજી ફિલ્મ બની ‘રાઝી’
બોલીવુડની યંગ સેન્શેશન આલિયા ભટ્ટ બોકસ ઓફિસ પર ‘રાઝી’ ફિલ્મથી રાઝ કરી છે. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ રાઝીએ ૧૦૦ કરોડની કમાણી કરી છે. આલિયા આ પૂર્વ પણ ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મો કરી ચુકી છે. આલિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જયારે ફિલ્મ લોકોના હૃદય સુધી પહોંચે છે ત્યારે અશકય પણ શકય બની જાય છે અને ફિલ્મને અણધાર્યા પ્રતિસાદ મળે છે. જોકે સફળતા અને ફિલ્મ વચ્ચે બેલેન્સ હોવું ખુબ જ જરૂરી હોય છે.
મને આશા હતી કે, રાઝી ૧૦૦ કરોડે પહોંચશે અને હું આજે ખુબ જ ખુશ છું. કારણકે મને અભિનેત્રી તરીકેની મારી ચોઈસ પરનો વિશ્ર્વાસ મજબુત બન્યો છે. વધુમાં આલિયા જણાવે છે કે શુટીંગ દરમિયાન તેને ચિંતા ન હતી પણ ફિલ્મની રીલીઝ સમયે દરેક અભિનેતા/અભિનેત્રીના ધબકારા વધી જતા હોય છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કરનારી આલિયાએ પોતાની આવડતનો જાદુ પોતાની ૬ વર્ષની કારકિર્દીથી દર્શાવી દીધો છે તે પોતાની દરેક યુનિક ફિલ્મોથી પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. સ્ટાર કિડ હોવા છતાં આલિયા સ્ટ્રગલને પોતાનો સાથી માને છે.
કંગના રનૌતની ફિલ્મ ‘તનુ વેડસ મનુ’ બાદ રાઝી ૧૦૦ કરોડને આંબતી ફીમેલ લીડ રોલની બીજી ફિલ્મ બની છે. આલિયાએ ટવીટ કરી તેના ચાહકોને થેન્કયુ કહ્યું હતું. ફિલ્મ રાઝી હરિંદર સિખ્ખાની નવલકથા સેહમત પરથી બનાવવામાં આવી છે. જે એક ભારતીય સ્પાય છે અને પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે લગ્ન કરે છે અને દેશને બચાવવા માટે પ્રયત્નો કરે છે અને ગાઝી એટેકની આફતના સંકેતો આપે છે. આલિયા રાઝી બાદ તેની આગામી ફિલ્મ ગુલી બોયનું શુટીંગ પણ પૂર્ણ કરી ચુકી છે.