રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર અપાયું
વિવાદિત ફિલ્મ પદ્માવત રીલીઝના વિરોધમાં સમગ્ર દેશમાં ક્ષત્રીય સમુદાય દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આ મામલે અનેક જગ્યાએ એફઆઈઆર નોંધાઈ હતી. જે એફઆઈઆર પાછી ખેંચવા આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવી માંગણી ઉઠાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલી દ્વારા ક્ષત્રીય સમુદાય અને ભારતીય સંસ્કૃતિની માન-મર્યાદાઓ નેવે મુકી ઐતિહાસિક ઘટનાને મારી મચડી ફિલ્મ પદ્માવતમાં રજૂ કરવામાં આવતા આ મામલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવામાં આવ્યા હતા. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રીય સમાજ વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
દરમિયાન આજે આ મામલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પદ્માવત રીલીઝના વિરુધ્ધમાં યેલા આંદોલન દરમિયાન જયાં જયાં એફઆઈઆર નોંધાઈ હોય તે તમામ એફઆઈઆર પાછી ખેંચવા માંગણી કરવામાં આવી હતી.