વિજયભાઈ રૂપાણી ઈમાનદારી, સખત મહેનત અને નેતૃત્વ ક્ષમતાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે: મારું સૌભાગ્ય છે કે મને વિજયભાઈને જાણવાનો મોકો મળ્યો
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે ૬૯ રાજકોટ વિધાનસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના ઈન્ચાર્જ અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીએ વાસ્તવમાં સુશાસન અને અરાજકતાની વચ્ચેની લડાઈ છે. એક તરફ ભાજપ વિકાસની રાજનીતિ સાથે આગળ વધી ર્હ્યું છે તો બીજી તરફ અન્ય પક્ષો સમાજને ભાગલા પાડવાની વાતો કરી રહ્યું છે.જાહેરસભાને સંબોધતા નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ભાજપને ગુજરાતની સેવા કરવાનો લાંબા સમયથી અવસર મળી રહ્યો છે. હવે તેમા એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. આજે રાજકોટનો પુત્ર મહેનત કરી ગુજરાતના નેતા બની નેતૃત્વ કરી રહ્યો છે. મારું સૌભાગ્ય છે કે વિજયભાઈ રૂપાણીને મને જાણવાનો અવસર મળ્યો. કાર્યકરોની રાજકીય યાત્રા સામાન્ય રીતે સાવ નીચેથી શરૂ થતી હોય છે. વિજયભાઈ રૂપાણી ઈમાન્દારી, સખત મહેનત અને નેતૃત્વ ક્ષમતાથી રાજયના મુખ્યમંત્રી બન્યા છે. તેઓની કારકિર્દીની શરૂઆત અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી થઈ હતી. ત્યારબાદ તેઓ નગરસેવક બન્યા, પ્રદેશમાં મહામંત્રી બન્યા અને રાજયસભામાં મારા સાથી બની અમને વિરોધ પક્ષ તરીકે પાર્ટીની તાકાત વધારી ફરી પરત આવી તેઓ કાર્યકરના રૂપમાં પક્ષને મજબૂત કરવા માટે જોડાઈ ગયા. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતનો પુત્ર આજે દેશનું નેતૃત્વ કરી રહ્યો છે અને રાજકોટનો પુત્ર ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યો છે.તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ભાજપના શાસનમાં ગુજરાતની સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ગુજરાત વિશ્ર્વ ફલક પર આવી ગયું છે. અનેક સમસ્યાઓ જનતા ભૂલી ગઈ છે ત્યારે પુરી તાકાતથી વિકાસને આગળ વધારવા તેઓએ તાકીદ કરી હતી. વિકાસને વેગ આપવાની શક્તિ માત્ર ભાજપમાં જ છે. બાકીના તમામ રાજકીય પક્ષો શક્તિને રોકવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સમાજના ભાગલા પાડવાની નીતિ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પર માત્ર દેશ નહીં પરંતુ દુનિયાની નજર છે ત્યારે વાસ્તવમાં આ ચૂંટણી સુશાસન અને અરાજકતા વચ્ચેની લડાઈ છે.