રશિયામાં ફૂટબોલ વિશ્વકપ ગુરૂવારથી શરૂ થઇ ગયો છે. 28 દિવસ સુધી ચાલનારી આ ઇવેન્ટમાં 11 શહેરના 12 સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. પહેલી મેચ આજે રાતે 8.30 વાગે યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમવામાં આવશે. આજ સુધી કોઇપણ યજમાન દેશે ઉદ્ઘઘાટન મેચ હારી નથી.
આ મેચ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં થશે. આ પહેલા આ જ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની થશે. 80 હજાર દર્શક ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં 500 કલાકાર પ્રસ્તુતિ કરશે. ઓપનિંગ સેરેમનીમાં બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલે સામેલ નહીં થઇ શકે. તેમની તબિયત સારી નથી. જોકે, તેમના જ દેશના રોનાલ્ડો અહીંયા હાજર રહેશે.
ઉદ્દઘાટન સમારંભમાં ઇંગ્લેન્ડના પોપસ્ટાર રોબી વિલિયમ્સ, સિંગર જુઆન ડિએગો ફ્લોરેઝ, સ્પેનના ઓપેરા સિંગર પ્લાસિડો ડોમિગો અને રશિયાની ઓપેરા સિંગર ગરીફુલ્લિના રજૂઆત કરશે.આ સમારંભમાં અને મેચ દરમિયાન સુરક્ષામાં 30 હજાર જવાન તહેનાત રહેશ. લડાયક વિમાનોની ટીમો પણ ખતરા સામે પહોંચી વળવા તૈયાર રહેશે.