બુલિયન પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત બાદ ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. ૨૦૦૦નો ઉછાળો
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. ઘરઆંગણે સોનું ગુરુવારે રૂ. ૬૦ હજારના આંકને તોડીને રૂ. ૬૦,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામને સ્પર્શ્યું હતું. જે બુધવારના રૂ. ૫૯,૬૦૦ના બંધ ભાવ કરતાં રૂ. ૯૦૦ વધુ હતું.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુલિયન પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી ચાંદીના ભાવ એક જ દિવસમાં રૂ. ૨૦૦૦ વધીને રૂ. ૭૧,૫૦૦ પ્રતિ કિલો થઈ ગયા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ રાત્રે ૮ વાગ્યે પ્રતિ ટ્રોય ઔંસ ૧૯૪૬.૦૮ ડોલરને સ્પર્શ્યા હતા.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, બજારો હજુ પણ વધુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કના નીતિગત પરિણામોનું અવલોકન કરી રહ્યા છે.
બુધવારે ફેડની જાહેરાત પછી ડૉલર નવ મહિનાની નીચી સપાટીએ ગગડી ગયો હતો. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા હોવાથી સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી હતી. જ્વેલર્સને હવે ચિંતા કરવાનું કારણ છે કારણ કે ભાવ ગ્રાહકો માટે વધુને વધુ અપ્રિય બની રહ્યા છે અને એકવાર લગ્નસરાની સિઝન સમાપ્ત થયા બાદ વેચાણમાં ઘટાડો થશે તેવું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું.