ગાંધી વિચારધારાને અમર બનાવવા રાજકોટમાં ભવ્ય ગાંધી મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન શ્રી વિજયભાઈ રૂપાણીએ સાકાર કરી રાજકોટ-સૌરાષ્ટ્ર ને વધુ એક મોટી ભેટ આપી :રાજુભાઇ ધ્રુવ
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની મુલાકત વેળાએ રાજકોટની કદરદાન જનતાએ તેમના પ્રત્યે દાખવેલા અભૂતપૂર્વ પ્રેમમાં નરેન્દ્રભાઈની પ્રચંડ લોકપ્રિયતાનો પરિચય મળ્યો હતો તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે રાજકોટની પ્રજાનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું હતું કે ભાગ્યે જ કોઈ નેતાએ લોકહ્ર્દયમાં આવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે. વડાપ્રધાન પસાર થવાના હતા એ રૂટ ઉપર હજારો બાળકો, મહિલાઓ અને આમ નગરજનો વડાપ્રધાનની એક ઝલક મેળવવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ગઈ કાલના એ દ્રશ્યોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે લોકહર્દયમાં માનનીય વડાપ્રધાનનું સ્થાન અવિચળ છે.
માનનીય વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે “મોહનથી મહાત્મા” બનેલા પૂજ્ય બાપુનું જ્યાં જીવન ઘડતર થયું તે વિદ્યાલયને વર્તમાન અને આગામી પેઢી માટે અદ્યતન ટેકનોલોજી દ્વારા જીવતા જાગતા દસ્તાવેજમાં રૂપાંતર કરી સમગ્ર વિશ્વને અમૂલ્ય ભેટ પ્રદાન કરી છે. સત્ય અને અહિંસાના પર્યાયરૂપ મહાત્મા ગાંધીજીએ અહીં રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે આંદોલન પણ કર્યા છે એવા આ રાજકોટમાં “મહાત્મા ગાંધી મ્યુઝિયમ” સમગ્ર વિશ્વ માટે પ્રેરણાધામ બની રહેશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પુરજોશ ઉમળકાથી અને પ્રચંડ ઉત્સાહથી આવકારીને રાજકોટ વાસીઓએ વડાપ્રધાનશ્રીની મુલાકાતને અવિસ્મરણીય બનાવી. રાજકોટના સપૂત તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધી અનુભૂતિ કેન્દ્ર રૂપી તીર્થધામ બનાવીને રાજકોટ શહેરને વિશ્વના નકશા પર મૂકીને જે ગૌરવ અપાવ્યું છે તે બદલ હું બન્ને મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથેસાથે રાજકોટવાસીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી, વહીવટીતંત્ર, પોલિસતંત્ર, સામજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો આ સમગ્ર આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ ભવ્ય કાર્યક્રમને જન-જન સુધી પહોંચાડવામાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા દેશના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો રાજુભાઇ ધ્રુવે ખૂબ ખૂબ આભાર માન્યો છે.