રાજપુરૂષોને કહી દેવાનો સમય પાકી ગયો છે કે, નીજી સ્વાર્થને ખાતર તેજસ્વી ઘર-દીવડાઓને ઓલવી નાખવાનું બંધ કરો, એને લીધે સર્જાતા જતા અંધકારને હટાવવા જેટલો ઉજાસ તમે નથી આપી શકવાના… આખા દેશને અંધકારમાં ડૂબાડવાનું પાપ સૌને કોરી ખાશે!
નૂતન વર્ષમાં દેશને ઉજાસ-ઓજસથી ભરી દે અને ગામડાઓ-ઝુંપડાઓને નાની મોટી મેડીઓ-ઈમારતો બક્ષે એવા દેશભકત રાજપુરૂષો-મહાત્માઓ ખપે છે!
સવા અબજ દેશવાસીઓની ઉત્કંઠા વહેલામાં વહેલી તકે આપણા હિન્દુસ્તાન-ભારતને રામરાજયનો સ્વાદ ચાખવાની છે અને સ્વાધીનતાની મીઠપ માણવાની છે
લાખ લાખ દીવડાંની આરતી ઉતરે, લાખ લાખ તોરણ બંધાય અને લાખ ઠેકાણે આનંદના અવસર વચ્ચે મુકત રીતે રમણીય રાસો રચાય એવા આનંદના મહોત્સવ ઉજવાય, એ બધુ હોંશે હોંશે નિહાળવું છે.
કોઈ ચિંતક મહાત્માએ વૃક્ષનું ઉદાહરણ આપીને કહ્યું છે કે, દરેક માણસ જો આ સંસારમાં વૃક્ષની જેમ જીવન જીવતો થઈ જાય તો સૌનું જીવ્યું સાર્થક થાય !
આ ચિંતનનું વર્ણન કરીએ તો વૃક્ષ તો જે છે તે છે ને જયાં છે ત્યાંજ છે. લીલુ કે સુકા જેવું માટી ઉપર કે ખડક પર, કાદવ કિચડમાં કે સાફ જગ્યા પર જયાં છે ત્યાં છે. અને જેવું છે તેવું એ વૃક્ષ જ છે. તેને કોઈ હર્ષ -શોક નથી. ફૂલફાળ સાથે પણ વૃક્ષ છે ને તેના વિના પણ વૃક્ષ છે. પક્ષી ડાળે હોય કે ન હોય, પ્રાણી વાયામાં વિશ્રામ કરે કે ન કરે એ તો વૃક્ષ જ છે.
માણસ જો આ સંસારમાં વૃક્ષની જેમ જીવી શકે તો તેનું જીવ્યું સાર્થક થયું વૃક્ષ એક જ સ્થાને ઉભુ રહે છે. તેની પાસે સ્વયંની ગતિ નથી. આમ છતા વૃક્ષ પાસે ગતિ કરવાની તાકાત તો છે જ અને તે ગતિ કરે પણ છે. ડાળ પર પક્ષી બેસીને ઉડી જાય છે ત્યારે ઓછામાં ઓછી એ વૃક્ષની આછેરી લીલાશને ભીનાશ પણ લઈ જાય છે. તેમ વિસામાનીને રસતૃપ્તિની મીઠી હાશ પણ લઈ જ જતુ હશે એવું અનુમાન ખોટુ તો નથી. વૃક્ષના ફૂલની સુગંધ ચારે બાજુ પ્રસરે જ છે. એમાં વૃક્ષનો પ્રભાવ પણ છે. ને પ્રતાપ પણ છે. વટે માર્ગું પણ વૃક્ષની છાયામાં વિસામો લઈ ફળનું ભોજન કરી ચાલતો થાય છે ત્યારે આખે આખા વૃક્ષની યાદ જયાં જાય છે. ત્યાં સામે લઈ જાય છે. આમ સ્થિતિ અને ગતિનો સમન્વય જેટલો વૃક્ષમાં છે.એટલો ભાગ્યે જ કયાંક જોવા મળે છે.
વૃક્ષ સૌનું આશ્રયસ્થાન છે. પંખીઓનું નિવાસ સ્થાન છે, જયાં તેઓ તેમની જીવનયાત્રા શરૂ કરે છે. અને તેને સારી રીતે આગળ ધપાવે છે.
વન-વૃક્ષો ને જંગલો ઘરદીવડાં સમા છે. એને નિષ્પ્રાણ કરવામાં પ્રાકૃતિક ગતિવિધિઓ અને પર્યાવરરને નિષ્પ્રાણ કરવાનું જોખમ રહે છે.
આપણા રાજપુષોને પણ આ સિધ્ધાંત લાગૂ પડે છે. તેઓ નિજી સ્વાર્થને ખાતર તેમના હરીફોને નિષ્પ્રાણ કરે છે. પજવે છે. મુંઝવે છે. અને જાતજાતની મુશ્કેલીઓમાં ધકેલે છે.
જે મહાપુરૂષો અને મહાત્માઓ એક સમયે ઉમદા રાજપુરૂષો અને સફળ સુકાનીઓ હતા તેમને જૂદાજૂદા પ્રકારની ટાંટિયા ખેંચ દ્વારા બેસુમાર કનડગત કરે છે. અને અપરાધી ચીતરે છે. એમના વખતની પરિસ્થિતિ અને સ્થિતિ સંજોગો અનુસાર લેવાયેલા પગલાંઓ અને નિર્ણયોના આધારે તેમને વખોડે છે.
સીનીયર નેતાઓને હતા ન હતા કરી દઈને તેમને બદનામ કરવામાં આવે છે. અને ધૂત્કારવામાં આવે છે.
એક જમાનામાં ઘર દીવડા સમી જેમની હેસિયત હતી, તેમની સાથે ખૂલ્લા દિલે પરામર્શ કરીને તેમની આવડત તથા અનુભવનો લાભ લેવાને બદલે ‘ઘર દીવડાં’ને ઓલવીએ તેમ નિષ્પ્રાણ બનાવી દેવાય છે. અને જાતે જ અંધકાર સર્જે છે. આ અંધકારને એટલે કે બેહાલી અને વિનિપાતને રોકવા અને નવો ઉજાસ અને અજવાળાં સર્જવાની આવડત તેમજ ત્રેવડ વગર સમગ્ર દેશને અને દેશવાસીઓને ઘોર અંધકારમાં ડૂબાડવાનું પાપ કરે છે. એવા રાજપુરૂષોને અને તેમના ખાટસ્વાદિયાઓને એમ કહી દેવાનો સમય પાકી ગયો છે કે, નિજી સ્વાર્થ ખાતર ઘર દીવડાઓને ઓલવવાનું બંધ કરી દો.
નૂતન વર્ષમાં દેશને નવા ઉજાસ-ઓજસને અજવાળાંથી ભરીદે અને ગામડાઓ -ઝુંપડાઓને નાની મોટી મેડી કે ઈમારતો બક્ષે એવા પેલા વૃક્ષો જેવા દેશભકત અને નખશીખ નિ:સ્વાર્થ રાજપુરૂષો-મહાત્માઓની સવા અબજ પ્રજાજનોને ખપ છે!